Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સાબરકાંઠા જિલ્લાના 6 ખેડૂતોના નામે હિંમતનગરની યુનિયન બેંકમાંથી બનાવટી દાખલાઓ રજૂ કરીને રૂા.69.70 લાખ ઉપાડી લીધાઃ પોલીસ ફરિયાદ

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકાના ચાંડપ, ખાશ્કી, દિયોલી, વડાલી તાલુકાના ફુદેડા, પોશીનાના દોતડ ગામના મળી ખેડૂતોના નામે હિંમતનગરની યુનિયન બેંકમાં ખેડૂતના નામે લેણું બાકી હોવાનું બનાવટી દાખલો રજૂ કરી, ખોટી સહીઓ કરી તેમજ ખોટી રીતે બેંકના ખાતા ખોલાવી લોનો મંજુર કરાવી તેની રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂા.૬૯.૭૦ લાખ ઉપાડી લઇ ગરીબ ખેડૂતોને છેતરપીંડી આચર્યાનુ બહાર આવવા પામ્યુ છે.

ઇડર તાલુકાના ચાંડપ ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા પ્રભાતસિંહ કોદરજી ડાભીને ચાંડપ ગામના અમરતસિંહ ધુળસિંહ ડાભીએ બેંકમાંથી લોન મંજુર કરાવી આપવાનો વિશ્વાસ કેળવી ચાંડપ પંચાયતમાંથી ખેડૂતની જમીનના ઉતારા, નોંધોની નકલો સહિતના જરૂરી દસ્તાવેજો કઢાવ્યા હતા. ખેડૂતની ધી ચાંડપ સેવા સહકારી મંડળીમાં ધિરાણ બાકી હોવા છતાં ચાંપડ, સમલાપુર અને રતનપુરના શખ્સોએ એકબીજાની મદદગારીથી ખેડૂતના નામે કોઇ લેણું બાકી નથી તેવો ખોટો બનાવટી દાખલો ઉભો કરી લોન મંજુર કરાવવા હિંમતનગરની યુનિયન બેંકમાં રજૂ કર્યો હતો.

ત્રણેય શખ્સોએ ચાંડપના ખેડૂતની કોરા કાગળ પર ટૂંકી સહીઓના નમુના કરાવી તે આધારે બેંકના લોન કેસના કાગળોમાં પણ ખેડૂતની ખોટી ટૂંકી સહીઓ કરી ચાંડપના ખેડૂત પ્રભાતસિંહ કોદરજી ડાભીના નામે હિંમતનગરની યુનિયન બેંક શાખામાંથી રૂા..૯૬ લાખની લોન સપ્ટેમ્બર ૨૦૧૮ ના વર્ષ દરમિયાન મંજુર કરાવી હતી. ઉપરાંત ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારીથી ગુનાહિત કાવતરૂ રચી ખોટી રીતે ખેડૂત પ્રભાતસિંહ ડાભીનું બેંક ખાતુ ખોલાવી ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ શખ્સોએ ખોટી સહીઓ કરી લુસ ચેકથી ખોટી રીતે નાણાં ઉપાડી ચાંડપના ખેડૂત સાથે છેતરપિંડી કરી હતી.

ખેડૂતના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા બાદ ખેડૂતે લોન મંજુર થવા અંગે ચાંડપના અમરતસિંહ ડાભીને અવારનવાર પુછતાછ કરતા તે વાયદા કરી બહાના બતાવે જતો હતો. જો કે ખેડૂતના ખાતે લોન મંજુર કરાવી નાણાં ટ્રાન્સફર કરાવી ખાતામાંથી ઉપાડી લઇ શખ્સોએ નાણાં વાપરી નાખ્યા હતા. જે ખેડૂતના ધ્યાને આવતા ચાંડપના ખેડૂતે અમરતસિંહ ડાભીને પુછવા જતા તેણે જાનથી મારવાની ધમકીઓ આપતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ ગુનાહિત કાવતરા સાથે છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂત પ્રભાતસિંહ ડાભીએ યુનિયન બેંકમાં તપાસ કરાવતા તેના નામે ખોટી રીતે દસ્તાવેજો ઉભા કરી તેણે બેંકના દસ્તાવેજોમાં સહીઓ કરી હોવા છતાં તેના નામે સહીઓ કરી લોનના નામે નાણાં ચાઉ કરી જવાનું કૌભાંડ ધ્યાને આવ્યુ હતું.

જેના દસ્તાવેજી કાગળો મેળવ્યા બાદ ખેડૂતે મંડળીના સેક્રેટરી તેમજ ખેડૂતના દિકરાને ભેંસ ખરીદવા લોનની જરૂરિયાત હોઇ ઇડરની આઇડીએફસી બેંકમાં લોન માટે જતા ખેડૂતને યુનિયન બેંકમાંથી પ્રભાતસિંહ ડાભીના નામે રૂા.૧૦ લાખની લોન લેવાઇ હોવાનું અને ભરવાની બાકી હોવાનું ધ્યાને આવ્યુ હતું. ત્યારબાદ ખેડૂતે હિંમતનગર સ્થિત યુનિયન બેંકમાં જઇ લોનના કાગળોની નકલો માગી તપાસ કરતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યુ હતું. તદ્પરાંત આજ બેંકમાંથી ભોગીલાલ પટેલ અને મહેન્દ્રભાઇ પટેલે ઇડર તાલુકાના ખાશ્કી, દિયોલી, વડાલીના ફુદેડા તેમજ પોશીનાના દોતડના મળી પાંચ ખેડૂતોના નામે પણ લોન લીધાનું ધ્યાને આવ્યુ હતું.

સમગ્ર ગુનાહિત કૌભાંડનો ભોગ બનનાર ચાંડપના ખેડૂત સહિત વિવિધ વિસ્તારોના કુલ ખેડૂતોની લોનો મંજુર કરાવી ચાંડપના અમરતસિંહ ડાભી, સમલાપુરના ભોગીલાલ પટેલ અને રતનપુરના મહેન્દ્રભાઇ પટેલે કુલ રૂા.૬૯.૭૦ લાખની માતબર રકમ ઓહિયા કરી વાપરી નાખતા ચાંડપના ખેડૂત પ્રભાતસિંહ કોદરજી ડાભીની ફરિયાદ આધારે હિંમતનગર બી ડીવીજન પોલીસે ત્રણેય કૌભાંડીયાઓ વિરૂધ્ધ ગુનો દર્જ તપાસનો દોર શરૂ કર્યો છે.

કયા ખેડૂતોના નામે કેટલી લોનો લેવાઇ...

* પ્રભાતસિંહ કોદરજી ડાભી : રૂા..૯૬ લાખ (રહે.ચાંડપ, તા.ઇડર)

* કાળુસિંહ કચરસિંહ  ઠાકરડા : રૂા..૯૬ લાખ (રહે.ખાશ્કી, તા.ઇડર)

* રઘજીભાઇ જેશીંગભાઇ પટેલ : રૂા..૯૭ લાખ (રહે.દિયોલી, તા.ઇડર)

* કાન્તીસિંહ તેજાજી ડાભી : રૂા.૧૬.૯૨ લાખ (રહે.ફુદેડા, તા.વડાલી)

* વસતાભાઇ નાથાભાઇ તરાલ : રૂા.૧૪.૯૩ લાખ (રહે.દોતડ, તા.પોશીના)

* ઉદાભાઇ જોરાભાઇ તરાલ : રૂા..૯૬ લાખ (રહે.દોતડ, તા.પોશીના)

કોની વિરૂધ્ધ નોંધાયો ગુનો...

* અમરતસિંહ ધુળસિંહ ડાભી (રહે.ચાંડપ, તા.ઇડર)

* ભોગીલાલ હરીભાઇ પટેલ (રહે.સમલાપુર, તા.ઇડર)

* મહેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે.રતનપુર, તા.ઇડર)

(5:00 pm IST)