Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડનારી ટોળકી પકડાઈ

આંતરરાષ્ટ્રીય કક્ષાના-હાઇટેક રસ્તા બનાવાશેઃ પૈસા ઉપાડીને બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી પૈસા રિફંડ મેળવતી ગેંગના સભ્યો પકડાયા બાદ વિગતો ખુલી

અમદાવાદ,તા. ૧૯, એટીએમ સેન્ટર પરથી પૈસા ઉપાડી લઇ બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી પૈસા રિફંડ મેળવી લેતી મેવાતી ગેંગના સભ્યોને પકડી પાડવામાં સાઈબર ક્રાઈમ સેલે મોટી સફળતા હાસલ કરી છે. એટીએમ મશીન સાથે છેડછાડ કરીને આ ગેંગના સભ્યો રિફંડ મેળવી લેવામાં સક્રિય હતા. ઝડપાયેલાઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બે ઇસમોને પોતાની પાસે જુદી જુદી બેંકના એટીએમ રાખી એટીએમ સેન્ટરમાં ટ્રાન્ઝિક્શન કરી બેંકમાં એન્ટ્રી ન પડે તે રીતે મશીન સાથે છેડછાડ કરી નાણાં મેળવી છેતરપિંડી કરતા હોવાની માહિતી મળી હતી. ઝડપાયેલા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. આ ઇસમોને નારોલ ગામ તલાવડી પાસેથી પકડી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા પૈકી એક ૧૯ વર્ષીય અફશરઅલી દિનમોહમ્મદ ખાન છે. જ્યારે બીજો શખ્સ નૂર હસન છે. જે ૧૯ વર્ષીય છે. ઝડપાયેલા બંને પાસેથી અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ નંગ ૧૭, બેંક પાસબુક બે નંગ મળીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. બંને ઇસમોની પુછપરછ કરાતા એટીએમ કાર્ડ મારફતે એટીએમ સેન્ટરમાં જઇ ટ્રાન્ઝિક્શન કરી રૃપિયા નિકળે કે તરત જ એટીએમ પાછળ આવેલા સ્વિચને બંધ કરી દેતા હતા. સિસ્ટમમાં નાણા વિડ્રો થયાની પ્રક્રિયા પૂર્ણ થવા દેતા ન હતા જેથી રૃપિયા નિકળે તે રૃપિયાની એન્ટ્રી બેંકમાં પડતી ન હતી. આ રીતે છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરવામાં આવ્યા બાદ તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આબંને હરિયાણાના વતની છે. અલગ અલગ વ્યક્તિઓના એક એટીએમ કાર્ડના રૃપિયા ૧૦૦૦ ભાડેથી લઇ જે એટીએમ કાર્ડ ધારક હોઈ તેના ખાતામાં પૈસા જમા કરાવવા અને ત્યારબાદ આ એટીએમ કાર્ડ લઇ બીજા કોઇ એટીએમ સેન્ટરમાં જવાનું અને એટીએમ કાર્ડથી રૃપિયા કઢાવવાના ત્યારબાદ રૃપિયા મશીનમાંથી બહાર આળે ત્યારે તરત જ મશીન પાછળની પાવર સ્વિચ ઓફ કરી દેવાની પ્રક્રિયા હાથ ધરતા હતા જેથી બેંકમાં આ નાણાની એન્ટ્રી પડતી ન હતી. ટોલ ફ્રી નંબર ઉપર ફોનકરી એટીએમ સેન્ટર પરથી નાણા ઉપડ્યા નથી તેવો ફોન કરતા હતા.

 

(10:01 pm IST)