Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આંગણવાડી-આશા વર્કરોના વેતનમાં વધારો કરવા વિનંતી

બજેટ પહેલાની બેઠકમાં નીતિન પટેલના સુચનોઃ શીપ બ્રેકિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શૂન્ય ટકા ડ્યુટી, ખેડૂતોને સોલાર પમ્પ માટે ૩૦ ટકા સબસિડીની માંગણી

અમદાવાદ,તા. ૧૯, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દર્ય નાણામંત્રી અરૂણ જેટલીએ બોલાવેલ રાજ્યોના નાણામંત્રીઓની પ્રી-બજેટ મિટિંગમાં હાજર રહી કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. આ બેઠકને સંબોધતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સોલાર ક્ષેત્રે ગુજરાત સરકારે ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે અને સોલાર પોલિસી જાહેર કરી ખેડૂતો પણ સોલાર પમ્પનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નીતિન પટેલે સોલાર પમ્પ માટે ૩૦ ટકા સબસિડીનું ધોરણ નક્કી કરવા તથા ૧૦ હોર્સ પાવરની મોટરનો આ યોજના અંતર્ગત સમાવેશ કરવા કેન્દ્ર સરકારને ભારપૂર્વક વિનંતી કરી હતી. તેમણે એ પણ ઉમેર્યું કે આ પ્રોત્સાહન આપવાથી વીજળીના ઉપયોગમાં બચત થશે  જેના કારમએ કેન્દ્ર અને રાજ્ય સરકારને નાણાંકીય પણ ફાયદો થશે. પટેલે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોનું માનદ વેતન વધારવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. ભારત સરકારે નક્કી કરેલ માનદ વેતન કરતા પણ ગુજરાત સરકાર માનદ વેતન વધુ આપી રહી છે પરંતુ તે અપુરતુ છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે કહ્યું હતું કે, શીપ બ્રેકિંગ ઉદ્યોગોથી વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થવા ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારને કસ્ટમ ડ્યુટી વગેરેની આવક પણ થાય છે. શીપ બ્રેકિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્યમાં શીપ બ્રેકિંગ માટે આવતા જહાજો ઉપરની કસ્ટમ ડ્યુટી ૨.૫ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરવાની તેમણે રજૂઆત કરી હતી. ખાસ કરીને ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ ખાતેના વિશ્વના મોટામાં મોટા શીપ બ્રેકિંગ ઉદ્યોગનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, ઓરિસ્સા, બિહાર, આંધ્રપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના કામદારો વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં આવી આ ઉદ્યોગોમાં કામગીરી મેળવી વિપુલ પ્રમાણમાં રોજગારી મેળવે છે.

 

(10:00 pm IST)