Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમ્યુકો બજેટ : જંત્રી આધારિત ટેકસ રાહત પાછી ખેંચી લેવાઇ

નવા પશ્ચિમ ઝોનના કરદાતાઓમાં રોષની લાગણી : કરદાતા પર અંદાજે ૧૦૦-૧૫૦ કરોડનો બોજો પડવાની શકયતા : નવો વિવાદ બજેટના સમયે સપાટી પર આવ્યો

અમદાવાદ,તા. ૧૯ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આજે રજૂ થયેલા રૂ.૬૫૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે અગાઉ શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં જંત્રી આધારિત રાહત પાછલા બારણે પાછી ખેંચી લેતાં નગરજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરેલા બજેટમાંથી આ રાહત પાછી ખેંચાતા શહેરના કરદાતા નગરજનો પર અંદાજે રૂ.૧૦૦થી રૂ.૧૫૦ કરોડનો મસમોટો બોજો પડશે. સૌથી નોંધનીય અને ચોંકાવનારી વાત તો એ છે કે, અગાઉથી કોઇ જાણકારી આપ્યા વિના કે, સત્તાવાર જાહેરાત કર્યા વિના મ્યુનિસિપલ કમિશનરે જંત્રી આધારિત ટેક્સની રાહત પાછલા બારણેથી પાછી ખેંચી લીધી હતી, જેને લઇ એક નવો વિવાદ બજેટ ટાણે સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમાર દ્વારા ફુલગુલાબી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ અને તેમાં રોડ-રસ્તાઓ, બ્રીજ અને પાર્કિંગ સહિતની સુવિધાઓ અને આયોજનોની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ અગાઉ નવા પશ્ચિમ ઝોનને અપાયેલી પ્રોપર્ટી ટેક્સની જંત્રી આધારિત ૫૦ ટકા રાહતને પાછલા બારણે પાછી ખેંચી લીધી હતી, આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદમાં પણ કોઇ ફોડ પાડયો ન હતો કે, નાગરિકો કે નગરજનોને જાણ થાય તેવી આગોતરી જાણ કે સત્તાવાર જાહેરાત પણ કરી ન હતી અને આમ એકાએક વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં જંત્રી આધારિત ટેક્સ આધારિત રાહત પાછી ખેંચી લેવાતા પશ્ચિમ ઝોનના નાગરિકોમાં સખત નારાજગી અને રોષની લાગણી ફેલાઇ હતી. મ્યુનિસિપલ કમિશનરના આ વિવાદીત નિર્ણયને પગલે પશ્ચિમ ઝોનના કરદાતાઓ અને નગરજનો પર આશરે રૂ.૧૦૦થી રૂ.૧૫૦ કરોડનો બોજો પડશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૧ની જંત્રીનો અમલ ૨૦૧૪-૧૫ના વર્ષથી શરૂ થયો હતો અને જેમાં અગાઉ પશ્ચિમ ઝોનના નાગરિકોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેકસમાં પચાસ ટકા સુધીની રાહત આપવાની જાહેરાત કરાઇ હતી અને તેનો અમલ પણ કરાયો હતો.જો કે, આજના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે કોઇપણ પ્રકારની સત્તાવાર જાહેરાત અને આગોતરી જાણ વિના પાછલા બારણે આ જંત્રી આધારિત ટેક્સની રાહત પાછી ખેંચી લીધી હતી. એકબાજુ, કરવેરા વિનાનું બજેટ હોવાનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને બીજીબાજુ, પશ્ચિમ ઝોનના કરદાતાઓ પર પાછલા બારણે આશરે રૂ.૧૦૦થી રૂ.૧૫૦ કરોડનો બોજો નાંખી દીધો હોઇ મ્યુનિસિપલ કમિશનરની બેવડા વલણની વાત સામે આવી હતી. આમ, બજેટ ટાણે જ મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયને લઇ એક નવો વિવાદ જાગ્યો છે.

ઝોનલ કેપિટલ વર્કસ માટે ૩૮૦ કરોડની ફાળવણી

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ.................. ૨૭

મધ્યઝોન માટે ........................................ ૩૮ કરોડ

પશ્ચિમ ઝોન માટે ..................................... ૫૦ કરોડ

ઉત્તર ઝોન માટે ....................................... ૬૮ કરોડ

પૂર્વ ઝોન માટે ........................................ ૬૮ કરોડ

દક્ષિણ ઝોન માટે ..................................... ૬૮ કરોડ

નવા પશ્ચિમ ઝોન માટે ............................. ૮૮ કરોડ

કુલ .................................... ૩૮૦ કરોડની ફાળવણી

(8:13 pm IST)