Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમ્યુકો દ્વારા પ્રથમવાર રોડ ડિઝાઇન સેલની રચના થશે

આંતરરાષ્ટ્રીય કક્ષાના-હાઇટેક રસ્તા બનાવાશે : રોડ ડિઝાઇન સેલમાં વિદેશી તજજ્ઞોથી માંડીને અનુભવી એન્જિનીયરો સહિતના લોકોને સામેલ કરવા માટે તૈયારી

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં અમદાવાદ શહેરમાં આગામી વર્ષમાં ૨૦૦ કિલોમીટરના રોડ-રસ્તાઓ બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે. અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તેમ જ હાઇટેક સુંદર રસ્તાઓ બનાવવા માટે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમવાર રોડ ડિઝાઇન સેલની રચના કરવામાં આવશે. જે રોડની ડિઝાઇન, તેનું માપ, તેની ઉઁચાઇથી માંડી તમામ પાસાઓ ધ્યાનમાં લઇ સુંદર, હાઇટેક અને લાંબા સમય સુધી ટકાઉ રહે તેવા રોડ-રસ્તાઓનું નિર્માણ કરશે. અમ્યુકો દ્વારા રચના કરવામાં આવનાર આ રોડ ડિઝાઇન સેલમાં વિદેશ તજજ્ઞોથી માંડી અનુભવી એન્જિનીયરો, રોડના જાણકાર સહિતના નિષ્ણાત લોકોનો સમાવેશ કરવામાં આવશે કે જેથી રોડ-રસ્તાઓની કવોલિટી અને તેની ટકાઉતાનું સ્તર ઘણુ ઉંચું આવે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં આગામી વર્ષ દરમ્યાન કુલ ૨૦૦ કિલોમીટરના રસ્તાઓ બનાવવાના આયોજનની સાથે સાથે ૧૫૦ કિલોમીટરના નવા રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન છે. ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં અમ્યુકો દ્વારા ૭૦ નવા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. અમ્યુકો દ્વારા જે ૨૦૦ કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ થવાનું આયોજન કરાયું છે, તેમાં નવા આરસીસી રોડ, નવા બેઝ વર્ક સાથેના રોડ, રોડ વાઇડનીંગ અને રોડ રીસરફેસના આયોજનનો પણ સમાવેશ થાય છે. તો સાથે સાથે માઇક્રો રીસરફેસીંગની બાબતને પણ પ્રાધાન્યતા આપવામાં આવી છે. રસ્તાઓ અને રોડ રીસરફેસના કામમાં નેનો ટેકનોલોજી દ્વારા ઝાયકો થર્મ, એન્ટી સ્ટ્રીપીંગ કેમીકલનો પણ ઉપયોગ  કરવામાં આવશે. તો, જેટ પેચર ટેકનોલોજીનો ઉપયોગ કરી જેટ પેચર મશીનના હાઇવોલ્યુમ લો પ્રેશર બ્લોઅર દ્વારા પેચવર્ક-ભેજની તથા રોડ તૂટવાની સંભાવના ઘટાડી શકાય તેવું આયોજન કરાયું છે. સૌથી અગત્યનું રોડ-રસ્તાઓમાં પ્લાસ્ટીકના ઉપયોગનું છે કે જેમાં રસ્તાઓના નિર્માણ દરમ્યાન હોટમીક્ષ મટીરીયલ્સમાં પોલીમર બ્લેન્ડેડ બીટયુમીન વાપરવાથી બીટયુમીન બાઇન્ડીંગની ફીઝીકલ પ્રોપર્ટીમાં વિવિધ ટેસ્ટીંગમાં ફાયદાકારક ફેરફારો, શહેરમાંથી પ્લાસ્ટીક વેસ્ટના નિકાલમાં મદદ મળી શકશે. નવા વર્ષના બજેટમાં એસ.જી હાઇવેની સમાંતર બંને બાજુ આવેલા અમ્યુકો હસ્તકના સર્વિસ રોડને વિસ્તારવાનું પણ વિકાસ કાર્ય હાથ ધરાશે, જે એસજી હાઇવે પરના ટ્રાફિકની સમસ્યા કંઇક અંશે હલ કરશે. ગોતા ગોધાવી કેનાલની બંને બાજુ ટ્રાફિકની અવરજવર માટે કુલ ૬૪૬૫ મીટરના રોડ બનાવવામાં આવશે, જેના ટેન્ડર મંજૂર થયા બાદ હવે કામ શરૂ થશે.

(8:12 pm IST)