Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૨૫ જુદી જુદી જગ્યા ઉપર પાર્કિંગની સુવિધા ઉભી થશે

પાર્કિંગની સમસ્યા નિવારવા ઓન સ્ટ્રીટ પાર્કિંગ : એસજી હાઇવે ઉપર કર્ણાવતી ક્લબથી હેબતપુર સુધીના રોડને સમાંતર ૯.૪૩ કરોડના ખર્ચે મલ્ટી સ્ટોરીડ પાર્કિંગ

અમદાવાદ,તા.૧૯ : શહેરમાં પાર્કિંગની સમસ્યા નિવારવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના આશયથી અમ્યુકોના નવા બજેટમાં શહેરમાં એસ.જી. હાઇવે સહિત જુદી જુદી ૨૫ જગ્યાઓ પર પાર્કિંગની અસરકારક સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત એસજી હાઇવે પર કર્ણાવતી કલબથી હેબતપુર સુધીના પૂર્વ તરફના સર્વિસ રોડ પર મેઇન રોડને સમાંતર રૂ.૯.૪૩ કરોડના ખર્ચે મલ્ટી સ્ટોરીડ પાર્કિગની મોટી વ્યવસ્થા ઉભી કરાશે. જયાં અંદાજે ૧૬૦૦ જેટલા ટુ વ્હીલર અને ૯૨૦ જેટલા ફોર વ્હીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અમ્યુકોની આ ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી અંતર્ગત શહેરના એસજી હાઇવે સહિતના કેટલાક વિસ્તારોના પસંદ કરાયેલા સ્થળો ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્ક  એરિયા તરીકે વિકસાવાશે. કોર્પોરેશન સત્તાવાળાઓ આ નવી નીતિ હેઠળ જાહેર રસ્તા પર પાર્ક થયેલા વ્હીકલનો ચાર્જ વસૂલ કરશે. તો, ઉપરોકત પાર્કિંગ સ્થળોએ પાર્ક કરવા માટેની પણ નિયત રકમ વસૂલશે. એસ.જી હાઇવે સહિત શહેરના જુદા જુદા ૨૫ સ્થળોને આશરે રૂ.૫.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે પે એન્ડ પાર્ક એરિયા તરીકે વિકસાવાશે અને ત્યાં પાર્કિંગની વિશાળ સુવિધા ઉપલબ્ધ બનાવાશે. ઉલ્લેખનીય છે કે, અમ્યુકોના બજેટમાં રોડ-રસ્તાઓની સાથે સાથે ટ્રાફિક અને પાર્કિંગની માથાના દુખાવા સમાન બનેલી સમસ્યાઓના નિવારણ માટે પણ મહત્તમ જોગવાઇ કરી તેના ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. આ નવતર આયોજનના કારણે વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ રોડ પર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ થઇ શકશે. ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે જ અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હવે અમદાવાદ શહેરને રેલ્વે ક્રોસીંગ મુકત અમદાવાદ બનાવવાનું નક્કી કર્યું છે અને તેના ભાગરૂપે જ પાંચ રેલ્વે ક્રોસીંગ બંધ કરાશે અને અમદાવાદ-બોટાદ રેલ્વે લાઇન સહિત ૧૬ નવા રેલ્વે અંડરબ્રીજ બનાવવામાં આવશે.

(8:12 pm IST)