Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગુજરાતમાં મહિને ૫૦ કરોડથી વધુની કિંમતના ફુટવેરનું વેચાણ

કાંકરિયા ખાતે સૌથી મોટુ ફુટવેર એકઝીબીશન શરૂ : ફુટવેર પ્રદર્શનમાં મહારાષ્ટ્ર, આગ્રા, કાનપુર, રાજસ્થાન સહિતના શહેરોથી ૧૦૦થી વધુ ઉત્પાદકો-ડિલરો ઉમટયા

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત સહિત દેશભરમાં ફુટવેર માર્કેટ દિન-પ્રતિદિન તેજીના પંથે આગળ ધપી રહ્યું છે ત્યારે બુટ-ચપ્પલ માર્કેટની ગતિવિધિઓ, ડિઝાઇન, પેટર્ન અને લેટેસ્ટ ટ્રેન્ડ સહિતના બાબતોની જાણકારી મળી રહે તે હેતુથી શહેરના કાંકરિયા વિસ્તારમાં ઇવેન્ટ પ્લસ દ્વારા દેશના સૌથી મોટા ફુટવેર એકઝીબીશન-૨૦૧૮નો આજથી પ્રારંભ થયો છે. તા.૧૯થી તા.૨૧ જાન્યુઆરી સુધીના આ ત્રિદિવસીય ફુટવેર પ્રદર્શનમાં દિલ્હી, મહારાષ્ટ્ર, આગ્રા, કાનપુર, રાજસ્થાન સહિતના શહેરોમાંથી ૧૦૦થી વધુ ઉત્પાદકો અને ડિલરો ભાગ લેવા ઉમટયા છે, ત્યારે ગુજરાતના વેપારીઓ માટે આ પ્રદર્શન એક મોટો લ્હાવો બની રહે તેમ છે કારણ કે, એક જ મંચ પર તેઓને સ્પોર્ટ્સ શુ, પાર્ટીવેર, હવાઇ ચપ્પલ, સ્કૂલ શુ સહિત બુટ ચપ્પલની અનેકવિધ પ્રોડકટ્સ જોવા મળી શકે છે. એક અંદાજ મુજબ, ગુજરાત રાજયમાં દર મહિને રૂ.૫૦ કરોડથી વધુની કિંમતના બુટ-ચપ્પલનું વેચાણ થાય છે. દેશભરમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ બુટ-ચપ્પલની જોડી તૈયાર થાય છે એમ અત્રે આ ફુટવેર એકઝીબીશનના આયોજકો અજીતસિંહ ગુલાટી અને રાજુભાઇ ઢોલાણીએ જણાવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આટલા મોટાપાયે ગુજરાતમાં આ ફુટવેર એકઝીબીશન-૨૦૧૮ યોજવાના પાછળનો મુખ્ય આશય જ એ છે કે, દેશભરના મેન્યુફેકચરર્સ અને ડિલરો એક મંચ પર આવી ફુટવેર માર્કેટની લેટેસ્ટ અપડેટ્સ, ટ્રેન્ડ અને ડિઝાઇન, રો મટીરીયલ્સ સહિતની બાબતોથી વાકેફ થાય અને એકબીજાના શહેરોમાં તેઓ તેમના ધંધા-રોજગારનો વ્યાપ વધારી શકે. એકઝીબીશનના આયોજકો અજીતસિંહ ગુલાટી અને રાજુભાઇ ઢોલાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, લેધર ફુટવરેનું માર્કેટ પણ સારુ એવું પ્રગતિ કરી રહ્યું છે, જેનો એક્ષ્પોર્ટ આંક ૧૮ ટકાને પાર થઇ ગયો છે. તો, લેધર પ્રોડકટ્નું વર્ષેદહાડે ૫૦ લાખ યુએસડોલરથી વધુની કિમંતનું વેચાણ થાય છે. ભારતમાં સૌથી વધુ ફુટવેર પ્રોડકશન આગ્રા, રાજસ્થાન, દિલ્હી અને કાનપુરમાં થાય છે. ૯૦ ટકા ફુટવેરનો માલ ત્યાંથી દેશના અન્ય રાજયો અને શહેરોમાં સપ્લાય થાય છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ભારતના ફુટવેર માર્કેટમાં ચીન, ઇટાલી અને ટર્કીના ફુટવેર પ્રોડકટ્સ અને ઉત્પાદનોનો પડકાર છે પરંતુ ભારતીય ફુટવેર માર્કેટ તેને તમામ રીતે ટક્કર આપવા અને પહોંચી વળવા માટે સક્ષમ છે. દેશનું ફુટવેર માર્કેટ હજુ વધુ તેજીથી વિકાસ પામે અને તેનું ટર્નઓવર વૈશ્વિક સ્તરે ગણના પામે તેના પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદ ફુટવેર એકઝીબીશન-૨૦૧૮નું આયોજન કરાયું છે, જેનાથી દેશના ફુટવેર માર્કેટને એક નવી ઉંચાઇ અને દિશા મળશે. તેમણે એ બાબતે પણ ખાસ ધ્યાન દોર્યું હતું કે, દેશના જુદા જુદા ખૂણેથી આવેલા બુટ-ચપ્પલના ઉત્પાદકો-ડિલરો એકબીજા સાથે મળી, વિચારોની આપ-લે અને તેમના અનુભવોના આદાન-પ્રદાન થકી ફુટવેર માર્કેટને અનોખુ પ્રોત્સાહન પૂરું પાડે તેવી આશા છે. આ ફુટવેર એકઝીબીશનનું ઉદ્ઘાટન રાજયના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી નિર્મલાબહેન વાધવાણી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમણે પણ ગુજરાતના ફુટવેર માર્કેટના વેપારીઓ માટે આ એકઝીબીશન બુટ-ચપ્પલના તેમના વેપારને વિકસાવવા માટે ઉમદા તક સમાન હોવાનું જણાવ્યું હતું અને તેનો મહત્તમ લાભ લેવા જાહેર અપીલ કરી હતી.

(8:12 pm IST)