Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તંત્ર દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે

ગાંધીનગર:શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવાના હેતુથી હવે ગાંધીનગર શહેરમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના વેચાણ ઉપર પણ તવાઈ લાવવામાં આવશે.  રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થઈ જવાના કારણે શહેરમાં ફરી પ્લાસ્ટિકના વેચાણમાં વધારો થઈ જાય છે. પ્રતિબંધિત એવી પ્લાસ્ટિકની બેગ હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા પકડવામાં આવી રહી છે પરંતુ શહેરમાં પાણીના પાઉચના કારણે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે.

આ પાઉચના કારણે ગંદકી પણ ખુબજ થતી હોય છે. જ્યાં ત્યાં પ્લાસ્ટિકના પાઉચ પડયા હોવાના કારણે તે જમીનમાં ભળતાં નહીં હોવાથી ગંદકી દેખાઈ આવે છે. આવી સ્થિતિમાં હવે કોર્પોરેશને શહેરમાં પાણીના પાઉચ ઉપર પણ તવાઈ લાવવાનું નક્કી કર્યું છે. વેપારીઓને પણ પાણીના પાઉચનું વેચાણ નહીં કરવા અને તેની જગ્યાએ પાણીની બોટલો રાખવા માટે સૂચના આપવામાં આવશે.

એકાદ બે દિવસમાં કોર્પોરેશનની ટીમ દ્વારા આ અંતર્ગત ઝુંબેશ શરૂ કરીને પાણીના પાઉચ પણ જપ્ત કરવામાં આવશે. નોંધવું રહેશે કે પ્લાસ્ટિકના પાણીના પાઉચ ૪૦ માઈક્રોનથી મોટા હોય છે અને તેના લાયસન્સ પણ મેળવેલા હોય છે પરંતુ શહેરને પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:11 pm IST)