Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ તેની પર સૌની નજર

ભાજપ મોવડીમંડળ દ્વારા ટૂંકમાં જ નિર્ણય લેવાશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નામો ચર્ચામાં, રૂપાણીને રિપીટનો વિકલ્પ ખુલ્લો

અમદાવાદ, તા.૧૮, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સરકાર બનાવવાની દિશામાં આગળ વધી છે ત્યારે હવે રાજયના નવા મુખ્યમંત્રી કોણ હશે તે મહત્વનો સવાલ સામે આવીને ઉભો છે. ભાજપનું મોવડીમંડળ મુખ્યમંત્રીપદનો કળશ ફરીથી વિજયભાઇ રૂપાણી પર ઢોળાય છે કે, નવા નામ પર મુખ્યમંત્રીપદની તાજપોશી કરાય છે તે મુદ્દે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીને જ રિપીટ કરાય તેવી પણ શકયતા છે તો, સાથે સાથે રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નામો પણ ચર્ચામાં છે. ભાજપના મોવડીમંડળ દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે નિર્ણય લેવાય તેવી શકયતા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો લિટમસ ટેસ્ટ હતો, જેમાં ભારે મુશ્કેલીઓ અને મહામહેનતે તેઓ ભાજપની ગાદી ગુજરાતમાં બચાવવામાં સફળ થયા. જો કે, ૧૫૦ પ્લસનો દાવો કરનારી ભાજપ ૯૯ બેઠકો સાથે બેકફુટ પર ધકેલાઇ છે. કારણ કે, ગત વિધાનસભા ચૂંટણી કરતાં તેને આ વખતે ઘણી ઓછી બેઠકો મળી છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠકો મળી હતી, જયારે આ વખતે ૯૯ પર ભાજપ સમેટાઇ છે. જેથી આ એવરેજ પ્રદર્શનને લઇ વિજય રૂપાણીની ખુરશી સામે સવાલ ઉઠી શકે છે પરંતુ સાથે એ વાત પણ ધ્યાનમાં લેવાની રહે છે કે, રૂપાણીને મુખ્યમંત્રી તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જ પ્રમોટ કર્યા હતા અને તેથી તેમના નામ પર ફરીથી પસંદગી ઉતારાય તો કોઇ નવાઇ નહી. બીજીબાજુ, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ગયા બાદ ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટી રહ્યો છે તે વાત પણ એટલી જ વાસ્તવિક છે. દલિત આંદોલનના વિવાદમાં આનંદબહેન પટેલને સન્માનજનક વિદાય આપ્યા બાદ રૂપાણીને સત્તાસ્થાને બિરાજમાન કરાયા હતા પરંતુ પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી સમાજના મહાસંમેલન સહિતના અનેક વિવાદીત ઘટનાઓ અને એન્ટી ઇન્કમબેન્સી ફેકટરે ભાજપમાં આ વખતની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓ વધારી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૩૬થી વધુ જાહેરસભાઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વ્યૂહાત્મક ગોઠવણના કારણે ભાજપ તેની સત્તા બચાવવામાં સફળ રહી. આ સંજોગોમાં હવે ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ અને ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચો લઇ જવા નવા ચહેરાને પણ મુખ્યમંત્રી તરીકે તક અપાય તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે. જેમાં હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નામો ચર્ચામાં છે. પરસોત્તમ રૂપાલાની પણ એક સંભાવના વ્યકત થઇ રહી છે તો, અમિત શાહના નામનો વિકલ્પ પણ ખુલ્લો છે.

જો કે, ભાજપના મોવડીમંડળ દ્વારા આગામી દિવસોમાં મુખ્યમંત્રીના નામ પર મંજૂરી મ્હોર મરાય તેવી શકયતા છે. સંભવત :  તા.૨૫મી ડિસેમ્બરે અટલબિહાર વાજપેયીની જયંતિ નિમિતે ભાજપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના નામને શપથ લેવડાવાય અને તે પહેલાં ઔપચારિક જાહેરાત કરી દેવાય તેવી પણ શકયતા છે.

(9:54 pm IST)