Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સ્વીટી પટેલ મર્ડર કેસમાં અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ

ચાર્જશીટમાં 1290 પેજ 100થી વધુ સાક્ષીઓના નિવેદનો: CRPC કલમ 164 મુજબ 5 સાક્ષીઓના નિવેદન સાથે પોલીસ અધિકારીઓ, તબીબો, FSL અધિકારીઓના નિવેદનોનો સમાવેશ

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. સ્વીટી પટેલ મર્ડર કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્યના પૂર્વ પીઆઈ અજય દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

આ ચાર્જશીટમાં 1290 પેજ 100થી વધુ સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. CRPC કલમ 164 મુજબ 5 સાક્ષીઓના નિવેદન સાથે પોલીસ અધિકારીઓ, તબીબો, FSL અધિકારીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ અજય દેસાઈ અને સ્વીટી વચ્ચેની વ્હોટ્સએપ ચેટની વિગતો પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી છે.
બંને આરોપીઓ અને સ્વીટી સહિત 5 મોબાઈલના ડેટાનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યા છે.

ચાર્જશીટમાં સ્વીટીના મૃતદેહને ઘી અને પેટ્રોલિયમ પેદાશો સહિત કાઈ રીતે સળગાવવામાં આવ્યો તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળી આવેલ અસ્થિઓ અને દાંત અંગે FSLમાંથી સ્પષ્ટ અભિપ્રાય મળી શક્યો નથી.
DNA અને વધુ પૃથ્થકરણ માટે સ્વીટીના અસ્થિ અને દાંત અમેરિકાની સુરક્ષા એજન્સી FBIની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની કથિત સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ 25 જુલાઈના રોજ કિરીટસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. PIઅજય દેસાઈએ 5 મી જૂન ની સાંજે 5:30 થી 8 વાગ્યા દરમિયાન દહેજ નજીક અટાલી ગામમાં નિર્માણાધિન હોટલ નજીક મૃતદેહ સળગાવ્યો હતો.

જગ્યાની માલિકી કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની છે એવું જાહેર થયું હતું. વડોદરા ગ્રામ્ય LCBની ટીમે એ જગ્યા પરથી બળેલા માનવ હાડકા શોધી કાઢ્યા હતા.વડોદરા LCBએ કબ્જે લીધેલ અજય દેસાઈના મોબાઈલમાં લોકેશન હિસ્ટ્રીથી અટાલીમાં આચરવામાં આવેલ પાપના પુરાવા મળ્યા હતા. કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની કથિત મદદથી અજય દેસાઈએ પત્ની સ્વીટીના મૃતદેહનો નિકાલ કર્યો છે એવા કથિત આરોપો સાથે FIR માં કિરીટસિંહ જાડેજાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ હતી.

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યાકેસમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)નું એક મોટું નિવેદન સામે આવ્યું હતું. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સ્વીટી પટેલના હત્યારા પતિ પીઆઇ અજય દેસાઇને ભક્ષક ગણાવ્યો હતો. આશિષ ભાટિયાએ કહ્યું, હતું "PI અજય દેસાઈ રક્ષક નહીં, ભક્ષક છે, પોલીસ કર્મચારીએ જનતાનું રક્ષણ કરવાનું હોય છે એની જગ્યાએ અજય દેસાઈએ ભક્ષક તરીકે કામ કર્યું, પીઆઇ અજય દેસાઇને દાખલા રૂપ સજા મળે એવા પ્રયત્ન રહેશે"

(9:34 pm IST)