Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલે ઇદે મિલાદ ઉન નબીના ઝુલુસમાં રાજ્‍ય સરકાર દ્વારા વધુ એક ગાઇડનલાઇન જાહેરઃ મહોલ્લા સુધી મર્યાદિત ઝુલુસમાં 400 અને એકથી વધુ વિસ્‍તારમાં ઝુલુસ માટે 15 વ્‍યક્‍તિ અને એક વાહનની છૂટ

ઝુલુસ જે વિસ્‍તારનું હશે તે વિસ્‍તારમાં જ ફરી શકે

અમદાવાદઃ આવતીકાલે મંગળવારના રોજ મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીમાં ઝુલુસને લઈ રાજય સરકાર દ્વારા વધુ એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના ડીજીપીને પણ મળી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે જુલુસ કાઢવા પરમિશન અંગે વાતચીત કરી હતી.

9 દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો હતો. સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.

(5:28 pm IST)