Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં મિલન ગોલ્‍ડ જ્‍વેલર્સના સેલ્‍સમેનની આંખમાં મરચુ છાંટીને 12 કિલો ચાંદીની લૂંટ કરનારા શખ્‍સોની પોલીસ હજુ સુધી ભાળ ન મેળવી શકી

બુટલેગરના કિસ્‍સાઓમાં પોલીસને વધુ રસ હોવાના આક્ષેપો

અમદાવાદ: નિકોલમાં રાત્રીના સમયે જ્વેલર્સના સેલ્સમેનની આંખમાં મરચુ નાંખીને 12 કિલો ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને 24 કલાક થી વધુ સમય થયો છતાં પોલીસ આરોપીની ભાળ મેળવી શકી નથી. દિવાળી આવતા પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ સહિતની કામગીરી પોકળ સાબિત થઈ છે.

વાસણામાં રહેતો સંકેત ખટિક માણેકચોકમાં આવેલા મિલન ગોલ્ડ નામના જ્વેલર્સને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. સામાન્ય રીતે સંકેતનું કામ શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલા જવેલર્સને ત્યાં જઈને સોનાચાંદીના દાગીના બતાવવાનું અને વેચાણ કરવાનું છે. નિત્યક્રમ મુજબ સંકેત શનિવારે સવારે માણેકચોક દુકાને ગયો હતો. ગત મોડી સાંજે સંકેત 12 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને નિકોલ વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં જવા નીકળ્યો હતો. નિકોલ પહોંચીને તે સત્યમ પ્લાઝા પાસે ઊભો હતો. તે સમયે એક્ટિવા પર ત્રણ શખ્સો તેની નજીક આવ્યા હતા સંકેત કંઈ સમજે તે પહેલા ત્રણ પૈકી એક શખ્સે તેના ખિસ્સામાંથી એક પડીકું કાઢીને મરચાનો પાઉડર સંકેતની આંખમાં નાંખી 12 કિલો ચાંદી ભરેલા થેલા જેની અંદાજીત કિંમત રૂ. 6 લાખ થી વધુનો લૂંટી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં જાણભેદુ સંડોવાયેલો હોવાનું પોલીસનું માનવું છે. જોકે પોલીસ હજુ સુધી એક પણ આરોપીને ઓળખી કે શોધી શકી નથી.

ડીસીપીને બુટલેગરના કોઇ પણ કેસમાં રસ અન્ય માં ઓછો.

નિકોલ વિસ્તારમાં બુટલેગર અનિલ સોની સાથે થોડા દિવસ પહેલા ફ્રેક્ચર ગેંગના લીડર હરિન્દરે પટેલે બુટલેગરને ફટકાર્યો હતો. જેથી બુટલેગરે નિકોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હરિન્દરની ધરપકડ કરી હતી. અનેક ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીની પુછપરછ માટે ડીસીપીએ તેમની ચેમ્બરમાં બોલાવ્યો હતો. જ્યાં સઘન પુછપરછ હાથ ધરી હતી. જો કે પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતુ કે, ડીસીપીને બુટલેગરનો કોઈ પણ કિસ્સો આવે તો તેમાં રસ વધુ હોય છે જ્યારે અન્ય ગુનામ ઓછો રસ હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. જોકે તેમના સ્ક્વોડના પોલીસ કર્મીઓ સામે આક્ષેપો થાય તો પણ તે ધ્યાને ન લેવાય અને અન્ય કોઈ પોલીસ કર્મી હોય તો તેના સામે કડક કાર્યવાહી કરાય તેવી ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.

(5:26 pm IST)