Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શિયાળાનું આગમન છતાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ડાંગમાં હળવા વરસાદની આગાહી

નવી દિલ્હી,તા. ૧૮ : નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે હવે શિયાળાના પગરવ મંડાયા છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે. વાતાવરણમાંથી ભેજ સતત ઘટતો જઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીમાં રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. આજે અવરલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ડાંગમાં હળવો  વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતાએ કરી છે તે સિવાય રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે.

પવનની દિશા બદલવાના કારણે વાતાવરણની દિશા બદલાઇ રહી છે. હાલમાં ઉતરથી ઉતર-પૂર્વના પવન ફુંકાઇ રહ્યો છે. આખો દિવસ સહન થાય નહીં તેવો તાપ પડે છે. અને રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે. હવામાન ખાતાએ અમદાવાદ માટે આગાહી કરતા જણાવ્યુ છે કે દિવસે સખ્ત તાપ રહેશે અને રાત્રે ગુલાબી ઠંડી જેટલુ તાપમાન રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તા. ૧૭ના રોજ લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી, તા. ૧૮ના રોજ ૨૧ ડિગ્રી, તા. ૧૯ના રોજ ૨૨ ડિગ્રી, તા.૨૦ ૨૨ ડિગ્રી, તા. ૨૧ના રોજ ૨૩ ડિગ્રી, તા. ૨૨ના રોજ ૨૩ ડિગ્રી અને તા.૨૩ના રોજ ૨૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહેશે. જ્યારે તા. ૧૮ થી ૨૨ સુધી ૩૬ ડિગ્રી, અને તા ૨૩ના રોજ ૩૫ ડિગ્રી મહતમ તાપમાન રહેશે. 

(3:42 pm IST)