Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બાળકને જન્મ આપતાં મહિલાનું મોત : ગ્રાહક સુરક્ષા પંચનો રૂ. ૧૦ લાખ વળતર ચૂકવવા આદેશ

ડોકટરની ગંભીર તબીબી બેદરકારી છે તેમ કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું

અમદાવાદ તા. ૧૮ : રાજયના કન્ઝયુમર ફોરમે સુરતના એક ડોકટર અને તેની હોસ્પિટલને આદેશ આપ્યો હતો કે બાળકને જન્મ આપતાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને ૧૦ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવામાં આવે. મહિલાના મોત માટે કથિત રીતે ડોકટરની તબીબી બેદરકારી જવાબદાર હોવાનો ફરિયાદી પક્ષે આરોપ મૂકયો હતો. કારણ કે મહિલાને લેબર પેન દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરાઈ ત્યારે મોટાભાગના સમયમાં તેઓ હોસ્પિટલમાં હાજર ન હતા.

આ કેસમાં સુરતના કતારગામમાં ડો મુકુન્દ પટેલ અને નમ્રતા હોસ્પિટલ સામેલ છે. તેમના વિરૂદ્ઘ કિરીટ ટેઇલર અને તેના ત્રણ બાળકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે ટેઇલરની પત્ની બિનીતા (૨૮) ને ૨૫ જાન્યુઆરી, ૨૦૦૬ ના મધરાતે ૧ વાગ્યે પ્રસૂતિ પીડા ઉપડતાં ડોકટર મુકુંદ પટેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે આ સમયે ડોકટર હાજર નહોતા અને હોસ્પિટલનો સ્ટાફ ગર્ભવતીની સંભાળ લઈ રહ્યો હતો. ફરજ પરના સ્ટાફે ડોકટરને કોલ કર્યો ત્યારે તેમણે સ્ટાફને ટેલિફોન પરથી જ ઈન્જેકશન આપવાની સૂચના આપી હતી.

પરિવારે પોતાની ફરિયાદની રજૂઆત કરતાં કહ્યું હતું કે બિનિતાને સવારે ૭.૪૫ વાગ્યે લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી. તે સમયે તેની તબિયત સારી હતી અને તે પોતે ચાલીને રૂમમાં ગઈ હતી. જે બાદ પાંચ મિનિટમાં તેની તબિયત બગડી હતી. તેણે એક છોકરાને જન્મ આપ્યો, પરંતુ નાજુક સ્થિતિને કારણે બિનિતાને અન્યત્ર અષ્ટાશ્રમ નામની હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. જયાં સવારે ૧૧.૪૫ વાગ્યે તેનું મૃત્યુ થયું.

પરિવારે સૌ પ્રથમ ૨૦૧૧ માં આ મામલે ગ્રાહક તકરાર નિવારણ આયોગ, સુરત (એડિશનલ) માં ફરિયાદ નોંધાવી હતી. જોકે આયોગે ૨૦૧૩ માં ફરીયાદ રદ કરી દીધી હતી. જે બાદ પરિવારે ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચનો સંપર્ક કર્યો હતો. અને દાવો કર્યો હતો કે ડોકટર દ્વારા બેજવાબદારીપણું દાખવવાના કારણે તેમની પત્નીનું મોત થયું હતું. પરિવારે દાવો કર્યો હતો કે ડોકટર મોટાભાગના સમય સુધી ગેરહાજર રહ્યા હતા. અને તેમણે પોતે પાછળના દરવાજાથી લેબર રૂમમાં પ્રવેશ કર્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.

જયારે ડોકટરે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે દર્દીની હાલત બગડતાં જ તેણે એક ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને બોલાવ્યા. આ ડોકટરો સાથે પરામર્શ કર્યા પછી જ દર્દીને અન્ય હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કારણ કે ત્યાં સુવિધાઓ વધુ સારી હતી. તેમજ તેમના પ્રયત્નોને કારણે જ બાળકનો જીવ બચાવી શકાયો હતો.

જોકે ગ્રાહક પંચે તારણ કાઢતા કહ્યું કે ડોકટરના નિવેદનમાં વિરોધાભાસ છે. 'જયારે લેબર રૂમમાં પ્રવેશતા પહેલા દર્દી સ્વસ્થ હતા અને લેબર રૂમમાં તેની હાલત નાજુક બની હતી, ત્યારે લેબર રૂમમાં શું થયું તે માત્ર ડોકટર જ જાણે છે.' પરંતુ તેમણે બેદરકારી નથી કરી તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી અને તેથી આ કમિશનના મતે દર્દીની ગંભીર સ્થિતિ માટે ડોકટર જ જવાબદાર ગણાય છે. આ ડોકટરની ગંભીર તબીબી બેદરકારી છે તેમ કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું હતું. આ ઉપરાંત પીડિત પરિવારને જયારથી ફરિયાદ દાખલ થઈ ત્યારથી ૬% વ્યાજ સાથે રૂપિયા૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

(1:02 pm IST)