Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સુરતના કડોદરા જીઆઇડીસીમાં આવેલી પેકેજીંગ ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળીઃ બેના મોત

જીવ બચાવવા અનેક કામદારોએ વિવા પેકેજીંગ મીલની બિલ્ડીંગના પાંચમાં માળેથી કુદકા માર્યાઃ ફાયરવિભાગની ટીમ દ્વારા રેસ્કયુ કરી ૧૨૫ લોકોને બચાવી લેવાયા

સુરતઃ તા.૧૮, સુરતના કડોદરા જીઆઇડીસીમાં પેકેજીંગ ફેકટરીમાં આવેલી મીલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે જેમાં બે વ્યકિતના મોત નિપજયા છે. આગ એટલી વિકરાળ હતી જે લોકો પોતાને બચાવવા માટે બિલ્ડિંગના પાંચમાં માળેથી નીચે ઝંપલાવતા નજરે પડ્યા હતા. વિવા પેકેજીંગ મીલમાં બિલ્ડિંગના પાંચમાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં બે લોકોના મોત થયાનું જાણવા મળે છે અને ૧૨૫ લોકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યાનું જાણવા મળે છે.

 આગની જાણ ફાયરવિભાગને  કરાતા ફાયરની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાયો પ્રયાસ કર્યો હતો, જો કે વિકરાળ બનેલી આગમાં  કામદારનું મોત નિપજ્યું છે, હજુ પણ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરતું આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.  આગમાં બિલ્ડિંગના પાંચમાં માળે ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી ૧૨૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ફસાયેલા કામદારોને બે હાઈડ્રોલિક ક્રેન વડે રેસ્ક્યૂ કરાયું હતું,  આગની ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા, જો કે પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરી આગની ઘટના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   

(11:42 am IST)