Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજપીપળાના પૌરાણિક હરધ્ધિ માતાજીના મંદિરે કોવિડ ૧૯ ગાઈડલાઈનના પાલન સાથે ભક્તોએ માતાજીના દર્શન કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તમામ ધાર્મિક સ્થળોને સરકાર દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ અનલોક બાદ કોવિડ ગાઈડ લાઈન મુજબ ધાર્મિક સ્થળોને ખુલ્લા મુકાયા છે હાલ જ્યારે નવરાત્રી શરુ થઇ ગઇ છે ત્યારે રાજપીપળામાં ૪૦૦ વર્ષ પૌરાણીક હરસિધ્ધિ માતાજીના મંદિરે દર વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહા મારીના કારણે મેળો અને ગરબાનું આયોજન મોકૂફ રખાયું છે ત્યારે આજે પ્રથમ નવરાત્રીએ કોવિડ ૧૯ ની ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કર્યા હતા.
  ભક્તોને ફરજિયાત માસ્ક પહેરી સોસીયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ આપાઈ રહ્યો છે અને વર્ચ્યુઅલ આરતી અને લાઇવ દર્શન માટે મંદિરની બહાર મોટું એલ.ઇ.ડી. ટીવી ગોઠવવામાં આવ્યું છે અને પ્રસાદ લાવવા ઉપર પણ પાબંદી મુકવામાં આવી છે. 

  ઉપરાંત આજે દૂરથી દર્શને આવેલ ભક્તો માં થોડી નિરાશા જોવા મળી હતી પરંતુ દર્શનાર્થીઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સંદર્ભે મંદિરમાં દર્શનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ સમગ્ર વિશ્વમાંથી કોરોના દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

(10:08 pm IST)