Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી મંત્રી તરીકે પદભાર સંભાળતા જીતુભાઈ વાઘાણી

પદભાર સંભાળતાની સાથે જ વિદ્યાર્થીઓ-યુવાઓ માટે લીધા મહત્વના નિર્ણયો :વિવિધ યોજનાઓ અંતર્ગત ૯૦૬ વિદ્યાર્થીઓને રૂા. ૭.૮૩ કરોડની નાણાકીય સહાયને મંજૂરી

અમદાવાદ :શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી મંત્રી તરીકે શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ વેળાએ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોર, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ય મહાનુભાવો સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મંત્રીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી

 મંત્રી જીતુભાઈ વાઘાણીએ પદભાર સંભાળતાની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓ માટે મહત્વના નિર્ણયો કર્યા છે. શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ૯૦૬ વિદ્યાર્થીઓને રૂા. ૭.૮૩ કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના અંતર્ગત ૩૮૩ વિદ્યાર્થીઓને રૂ. ૪.૫૧ કરોડની નાણાકીય સહાય, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કુલ ૯૪ વિદ્યાર્થીઓને રૂા.૨.૬૭ કરોડની નાણાકીય સહાય અને શોધ યોજના અંતર્ગત કુલ ૪૨૯ વિદ્યાર્થીઓને રૂ.૬૪.૩૫ લાખની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત ૫ યુનિવર્સિટી અને ૫ સંસ્થાઓને કુલ રૂ. ૮૬.૪૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તેમજ રાજ્ય વ્યાપી સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડીયા હેકાથોન સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓની ૧૮ ટીમોને રૂ.૭.૨૦ લાખના ઇનામો આપવામાં આવ્યા છે એ જ રીતે “ડીજીટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ (DEDF)" અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનાં કેમ્પસ વાઈફાઈ કરવા, ડીજીટલ ક્લાસરૂમ ઉભા કરવા, ઈ-લાયબ્રેરીની સુવિધાઓ ઉભી કરવા, શૈક્ષણિક સોફ્ટવેરની ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે ચાલુ વર્ષે મંજુર થયેલ રકમ પૈકી રૂ.૧૫ કરોડ ફાળવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત રાજયના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવા માટે ધોરણ-૧૦માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવી ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર, ધોરણ-૧રમાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમમાં ૬૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અને વાલીની વાર્ષિક આવક રૂ.૬ લાખ સુધીની હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત ટયુશન ફી સહાય, રહેવા જમવાની સહાય અને પુસ્તક સહાય આપવામાં આવે છે
આ યોજના અંતર્ગત મેડીકલ અને ડેન્ટલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. ૨.૨૦ લાખ સુધીની સહાય મળી અભ્યાસક્રમના સમગ્ર સમયગાળા દરમિયાન કુલ રૂ.૯.૬૪ લાખ સુધીની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાંથી વધારાના રૂ ૧૮ લાખ એમ કુલ રૂ. ૨૭.૬૪ લાખની સહાય મળવાપાત્ર થાય છે. પેરામેડીકલ, ટેકનીકલને પોકેશનલ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને દર વર્ષે ૬૭,૦૦૦ સુધીની સહાય અભ્યાસક્રમના સમગ્ર સમયગાળા દરમિયાન રૂ. ૨.૫૩ લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૬૫,૦૦૦ વિદ્યાર્થીઓને રૂ.૨૮૭ કરોડની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને પ૦ ટકા ટ્યુશન ફી સહય રૂ. ર લાખની મર્યાદામાં મળવાપાત્ર છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓને ૫૦ ટકા ટ્યુશન સહાય અને બાકીની ૫૦ ટકા ટ્યુશન ફી સહાય, કુલ ટ્યુશન ફી રૂ.૬ લાખની મર્યાદામાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત મેડીકલ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૨૭.૬૪ લાખની સહાય મળવાપાત્ર થાય છે. જેના કારણે મેડીકલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીનીઓની સંખ્યાના પ્રમાણમાં ૧૮ રકાનો વધારો થયો છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૩૦૦૦ વિદ્યાર્થીઓને રૂા.૮૫ કરોડની સહાય આપવામાં આવશે.
રાજ્યની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. કોર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત સંશોધન કરીને વૈશ્વિક ક્ષિતિજોને આંબે એ માટે તેમને પ્રતિ માસ આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શોધ યોજના વર્ષ ર૦૧૯થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કોર્ષમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને દર મહીને રૂ. ૧૫,૦૦૦ નાણાકીય સહાય (સ્ટાઇપેન્ડ અને અન્ય આનુષાંગિક ખર્ચ પેટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ એમ કુલ પ્રતિ વર્ષ રૂ. ૨ લાખ લેખે બે વર્ષ માટે કુલ રૂ. ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧૭૪૫ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષના રૂ. ૨ લાખ લેખે કુલ રૂ. ૩૪.૯૦ કરોડ નાણાકીય સહાય આપવામાં આવશે.

(7:04 pm IST)