Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદના મણિનગરમાં આવેલી રાજયની એક માત્ર તમિલ શાળા બંધ કરી દેવાતા વિદ્યાર્થી-વાલીઓએ ઇચ્છામૃત્યુની માંગ કરી

સ્કુલ અને કમિશનર સમક્ષ રજુઆત કરવા છતાં કોઇ જ પરિણામ ન આવતા વાલીઓમાં રોષ

શ્રીનગર : અમદાવાદ શહેરમાં આવેલ મણિનગરમાં આવેલ તમિલશાળા બંધ કરતા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેઓએ ઇચ્છા મૃત્યુની માંગ પણ કરી છે. છેલ્લા એક સપ્તાહથી તેઓ જિલ્લા શિક્ષણાધિકારીના હુકમ સામે લડી રહ્યા છે.

છતાં શિક્ષણાધિકારીના પેટનું પાણી હલતું નથી. ત્યાં સુધી કે સ્કૂલ ઓફ કમિશનર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી. આખરે હારી થાકીને તમિલ શાળા (Tamil school)ના 29  વિદ્યાર્થી તથા વાલીઓએ ઇચ્છા મુત્યની માંગ કરતો પત્ર અમદાવાદ જિલ્લા નિવાસી નાયબ કલેકટરને આપ્યો છે.

વિદ્યાર્થી-શિક્ષકોને બિન Tamil schoolમાં મોકલવા નિર્ણય

મણિનગર વિસ્તારની તમિલ શાળા (Tamil school)માં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવતું હતું. પરંતુ વિદ્યાર્થીઓ ઓછા હોવાના મામલે શાળા બંધ કરવાનો અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે હુક્મ કર્યો છે. તેમણેઆ શાળાના વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને અન્ય શાળામાં મોકલવાનો હુક્મ પણ કર્યો છે.

આ હુક્મ સામે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશન ( ટ્રસ્ટ )ના પ્રમુખ અને ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જયોર્જ ડાયસની આગેવાનીમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. ત્યારબાદ સ્કૂલ ઓફ કમિશનરને રજૂઆત કરી હતી. આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીએ વિદ્યાર્થી તથા વાલીઓ રજૂઆત કરવા ગયા હતા. જયાં નાયબ નિવાસી કલેકટરને સુપ્રત કરેલા પત્રમાં જણાવ્યું છે કે,

ગુજરાતમાં તમિલ ભાષામાં શિક્ષણ આપતી આ એક માત્ર શાળા છે. પરંતુ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ અર્ધ સત્ર વચ્ચે એકાએક કોરોના મહામારી જેવા સંકટ સમયે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આ શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ અંગે શિક્ષણ મંત્રી, શિક્ષણ કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વારંવાર રજૂઆતો છતાં કોઇ નિવેડો ન આવતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ આઘાત પામ્યા છે. જેથી અમોને લાગી રહ્યું છે કે, ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારીનું રક્ષણ કે પાલન થતું નથી. રાજય સરકાર તલિમ ભાષાની વિરોધી હોય તેમ અમને લાગી રહ્યું છે. તેથી અમોને ઇચ્છા મુત્યુની પરવાનગી આપવા વિનંતી છે. અથવાતો શાળા શરૂ થાય તે માટે સ્વાગત કક્ષમાં સુનાવણી રાખવા વિનંતી છે.

શું છે ડીઇઓનો હુક્મ ?

શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે કરેલા હુકમમાં જણાવ્યું છે કે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 તેમ જ સરકારના પ્રવર્તમાન ઠરાવો, પરિપત્રો તથા નિયમોને ધ્યાને લઇ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ હાઇસ્કૂલમાં ધો. 9થી 12 કુલ વિદ્યાર્થી સંખ્યા 31 છે. જે નિયમાનુસાર ઓછી છે. એકપણ વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોવાથી ધો. 9થી 12ના તમામ વર્ગો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ શાળાના એમ.એ., તમિલ બી.એડ.ના મદદનીશ શિક્ષક જે. તમિલ સેલ્વી, તથા એમ.એ., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર બી.એડ. વિષયના મદદનીશ શિક્ષક મેબલ માનસિંગ તથા પટ્ટાવાળા તરીકે એસ.બી. યાદવને ફાજલ જાહેર કરવામાં આવે છે. શાળાનો રેકર્ડ નજીકની શાળા શ્રી રામકુષ્ણ વિદ્યાલય, ખોખરામાં આપવા આદેશ કરવામાં આવે છે. અને શાળાનો ડેડસ્ટોકનો નિકાલ સરકારી રાહે કરી ચલણથી રકમ સરકારી બજેટ હેઠળ જમા કરાવવાની રહેશે.

ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા ?

ધોરણ          વર્ગો       વિદ્યાર્થીની સંખ્યા

9                 01                    06

10               01                    07

11               01                    12

12              01                    06

(10:17 pm IST)