Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ડીસીપીનો લેટર લાવો નહીં તો પટ્ટા ઉતરાવી દઈશ

સાઈ મંદિરના ગાદીપતિની પોલીસને ધમકી :પોલીસ લાલ દરવાજા ખાતે આવેલા સાઈ બાબાના મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવા પહોંચી હતી

અમદાવાદ,તા.૧૮ : શહેરની કારંજ પોલીસ સાથે ઘર્ષણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કારંજ વિસ્તારમાં આવેલા મંદિરના ગાદીપતિએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પોલીસ સાથે તકરાર કરી ધમકી આપતા પોલીસે આ મામલે સાઈ મંદિરના ગાદીપતિ ઈકબાલ સાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ તેમની ટીમ સાથે કારંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે અધિકારીઓની સૂચના પ્રમાણે હોટલ રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી કરવા તેઓ નીકળ્યા હતા. અનેક જગ્યા ઉપર સીસીટીવી ચેક કર્યા બાદ તેઓ લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે આવેલા સાઈ બાબાના મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવા પહોંચ્યા હતા.

            આ મંદિરમાં સાઈ મંદિરના ગાદીપતિ ઇકબાલ સાઈ હાજર હતા. પોલીસ ત્યાં સીસીટીવી તપાસવા પહોંચી ત્યારે ઈકબાલ સાઈએ પોલીસ સાથે ઘર્ષણ કરી અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે કેમ ચેક કરવા આવો છો? અહીંથી નીકળી જાઓ અને તમારે ચેક કરવું હોય તો ડીસીપી સાહેબનો લેટર લઈને આવો* કહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. બાદમાં આ ગાદીપતિ ઈકબાલ સાઈએ *મંદિરે આવેલા તમારાના નામ લખીને દવા પીને મરી જઈશ અને કેરોસીન છાંટી સળગી જઈશ* તેમ કહી લોકોનું ટોળું એકઠું કર્યું હતું. જે બાદમાં તમારા બધાના ટોપી-પટ્ટા ઉતરાવી લઈશ, તમે મને ઓળખતા નથી તેમ કહીને પોલીસની ટીમવને ધમકી આપી હતી. સાથે જ મહિલા પોલીસનો વીડિયો પણ ઉતારવા લાગ્યો હતો. આવું કરીને તેમણે પોલીસ સાથે તકરાર શરૂ કરી હતી. આ મામલે કારંજ પોલીસે તેમના અધિકારીઓને જાણ કરતાં પોલીસે ઈકબાલ સાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(7:22 pm IST)