Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પંચમહાલ જિલ્લાના કાલોકની ખાનગી હોસ્‍પિટલની મહિલા કર્મચારીએ નવજાત શિશુને રૂ. 15 હજારમાં વેચી દીધુ : વેચનાર અને લેનાર દંપતિની ધરપકડ

પંચમહાલ: કાલોકની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા દ્વારા નવજાત શિશુને રૂપિયા 15 હજારમાં વેચી દેવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મજી જવા પામી હતી. આ મામલે કાલોલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે નવજાત શિશુની ડિલિવરી કરનાર દાયણ અને ખરીદનાર દંપતીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે બાળકને જન્મ આપી ફરાર અજાણી માતાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિત અનુસાર, સુરેલી ગામના પટેલ દંપતિને સંતાનમાં 3 છોકરીઓ હતી. જે બાદ કોઇ સુવાવડ કે ગર્ભ ન હોવા છતાં ઘરમાં નવજાત બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો. ત્યારે કંઇક ગરબડ હોય તેવું લાગતા જિલ્લા બાળ સુરક્ષા વિભાગને અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે ગોધરાની બાળ સુરક્ષા કચેરીએ આ મામલે તપાસ હાથ ધરી હતી.

જો કે, આ પટેલ દંપતીની પૂછપરછ કરતા કાલોલની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી દાયણે ખાનગી રીતે પોતાના ઘરે જ અજાણી યુવતીની ડિલિવરી કરાવી હતી. નવજાત બાળકનો નિકાલ કરવાના ભાગરૂપે બાળકને પોતાની પાસે રાખી લીધુ હતું અને રૂપિયા 15 હજારમાં નવજાત શિશુનો સોદો કરવામાં આવ્યો હતો. ત્રણ પુત્રીઓના માતા-પિતાએ વારસદાર મેળવવા માટે દાયણ જોડે શિશુનો સોદો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

કાલોલ નવજાત તસ્કરી મામલે કાલોક પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં નવજાત શિશુની તસ્કરીનો ભેદ ઉકેલી શિશુની ડિલિવરી કરાવનાર દાયણ અને ખરીદનાર દંપતીની ધરપકડ કરી છે. આ ઉપરાંત કાલોલ પોલીસે નવજાત શિશુના ગેરકાયદે ખરીદ-વેચાણ કરવાના ગુનામાં બાળકને જન્મ આપી ફરાર અજાણી માતાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:08 pm IST)