Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નર્મદા બંધની જળસપાટીમાં ધરખમ વધારો : મધ્યપ્રદેશ ના ડેમોમાંથી હજુ 8 થી 9 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાએ નર્મદા એલર્ટ

વિયરડેમ કમ કોઝવે 6 મીટરથી ઓવર ફ્લો : વિયર ડેમનો આહલાદક નજારો જોઈ પ્રવાસીઓ ખુશ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આજે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.31 મીટર પાર પહોંચી ગઈ છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 7,45,724 ક્યુસેક નોંધાઈ રહી છે આ પાણીની આવક ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે.ત્યારે નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,744 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે.
નદીમાં કુલ જાવક 5,44,744 ( દરવાજા + પાવર હાઉસ) ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,238 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ જાવક -  5,62,982 ( Gates+Rbph+ Chph) ક્યુસેક છે જયારે લાઈવ સ્ટોરેજ - 4707.1 MCM જેટલું પાણી સંગ્રહિત થઇ ગયું છે.
નર્મદા ડેમથી 12 કિમિ દૂર ગરુડેશ્વર ગામ પાસે બનાવવામાં આવેલ વિયર ડેમ હાલ છલોછલ થઇ ગયો છે. સરદાર સરોવર નર્મદા બંધના 23 ગેટ ખોલી હાલ 5.62 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેમાં ગોરા ઘાટ પણ ડૂબી ગયો છે ત્યારે ગરુડેશ્વર ખાતે બનાવવામાં આવેલ વિયર ડેમ કમ કોઝવે 5 મીટર થી વધુ સપાટીએ પહોંચતા હાલ 5 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. વિયર ડેમ ઓવરફ્લો નો નજારો એટલો આહલાદક લાગે છે કે ગરુડેશ્વરથી પસાર થતા પ્રવાસીઓ જાતે રસ્તા પર ઉભા રહીને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા

(11:10 pm IST)