Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ડેડીયાપાડાની આંગણવાડી વર્કર બહેનોનું વેતન કાપવા મામલે ભારે રોષ : મામલતદારને આવેદનપત્ર આપ્યું

કોઇ પણ જાતની નોટિસ કે જાણ કર્યાં વિના સરમુખત્યાર શાહીથી આંગણવાડી વર્કરનાં માનદ વેતન કપાતા ભારે રોષ : દેડીયાપાડા આંગણવાડીના સેજપુર સેજાની મુખ્ય સેવિકા મહીલા આંગણવાડી કર્મચારીઓને માનસિક ત્રાસ આપતી હોવાનો પણ આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આંગણવાડી વર્કર બહેનો નો કારણદર્શક નોટીસ વિના ICDSના મુખ્ય સેવિકા દ્વારા માનદવેતન પર કાપ મુકવામાં આવતા સેજપૂર સેજાંની મહીલા કર્મચારીઓ માં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને મુખ્ય સેવિકા ઉપર આંગણવાડીની મહિલાઓ એ આક્ષેપ પણ લગાવ્યા હતા.
દેડીયાપાડા પ્રાંત અધિકારીને સંબોધીને અપાયેલા આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ICDS દેડીયાપાડા ઘટક ૧ ના સેજપુર સેજો ૧ ના સુપરવાઈઝર દ્વારા સેજપુર સેજામાં આવતા આંગણવાડી વર્કર બહેનો ને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જુલાઈ માસ ૨૦૨૨ માં આંગણવાડી વર્કર બહેનો ને માનદવેતન કરવામાં આવ્યું હતું જેમાં સેજપુર સેજો ૧ કેટલીક આંગણવાડી વર્કર બહેનોને કારણદર્શક નોટીસ વિના ૧૫ દિવસનું માનદ વેતન ચુકવવામાં આવ્યું નથી જે ગેર વ્યાજબી છે.

નિયમોનુસાર વેતન પર કાપ મુકતા પહેલા કર્મચારી ને કારણદર્શક નોટીસ આપવામાં આવે છે, જો કર્મચારી તેમાં ગેરલાયક પુરવાર થાય તો તેનાં વેતન પર કાપ મુકવો જોઈએ પણ સેજપુર સેજો ૧ અને ૨નાં મુખ્ય સેવિકા દ્વારા કે જેમણે તેમના ઉપરના અધિકારીની પરવાનગી વગર પોતે સર્વેસર્વા બની ને આ નિર્ણય લીધેલ છે જે વ્યાજબી નથી. જેની જાણ ડેડીયાપાડા તાલુકાના CDPOને કરેલ હતી પણ જે માહિતીથી તેઓ અજાણ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હાલ આંગણવાડી વર્કરને રૂપિયા ૭,૭૫૦ નુજ માનદવેતન મળે છે, જે અપૂરતું છે અને કુટુંબનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.આ મોંઘવારીનાં સમયમાં આદિવાસી બહેનો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે ? તે પણ એક ગંભીર બાબત છે, તો હાલ ચુકવવામાં આવતા ૭૭૫૦ જેટલા નહીવત માનદ વેતનમાં પૌષણ સુધા અને માતૃમંડળ જેવી યોજનાઓ આંગણવાડી વર્કર બહેનો દ્વારા સ્વખર્ચે ચલાવવામાં આવે છે અને તેની ચુકવણી પણ લાંબા સમય સુધી કરવામાં આવતી નથી.

સમયાનુસાર મુખ્ય સેવિકા દ્વારા અવારનવાર મીટીંગોમાં વર્કરો ને વિવિધ કામગીરી બાબતે માનસિક ત્રાસ આપવામાં આવે છે, અને આંગણવાડી વર્કર બહેનોને તેમની મૂળભૂત ફરજ સિવાયની કામગીરી જેમકે કોમ્પુટર માં વિવિધ પ્રકારની ડેટા એન્ટ્રીઓ, રાંધણ ગેસ ભરાવવું સ્વખર્ચે વારંવાર મંગાવવામાં આવે છે. જો પોતાને પડતી તકલીફ વિષે જણાવવામાં આવે તો ફરજમુક્ત થઇ જવા દબાણ કરવામાં આવે છે. અને સુપરવાઇઝર વર્કર બહેનો સાથે અસભ્યતા થી વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે આ બાબતો ને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ડેડીયાપાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોની માંગ છે

(11:02 pm IST)