Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખેડા જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 45 શકુનિઓને પોલીસે રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યા

નડિયાદ : ખેડા જિલ્લાના સુરાશામળ, પાલૈયા, રસિકપુરા, મહેમદાવાદ, ખુટજ, નડિયાદ તથા દાવડામાં પત્તા પાનાનો શ્રાવણીયો જુગાર રમતા ૪૫ જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા અને તમામ જુગારીઓની અટકાયત કરી દાવ પર મુકેલી રકમ તથા અંગ જડતીની રકમ મળી કુલ રૂ. ૮૫,૯૨૦ નો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચકલાસી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન સુરાસામળ ખાડી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૨ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. સ્થળ પરથી દાવ પરની રકમ તથા અંગજડતીની રકમ મળી કુલ રૂ. ૧૮,૫૦૦નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નડિયાદ તાલુકાના પાલૈયા તાબે નવાપુરા માંથી ચકલાસી પોલીસે જુગાર રમતા ૪ જુગારીયાઓને ઝડપી પાડી કુલ રૂ. ૪,૦૬૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. મહેમદાવાદ બસ સ્ટેન્ડ નજીક ખુલ્લામાં જુગાર રમતા ૮ જુગારીયાઓને મહેમદાવાદ પોલીસે ઝડપી લઈ કુલ રૂ. ૩૨,૬૦૦ નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ખેડા તાલુકાના રસિકપુરા માંથી રૂ. ૯,૬૦૦ ના મુદ્દા માલ સાથે જુગાર રમતા ૪ જુગારીયાઓને ખેડા પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મહુધા તાલુકાના ખૂટજમાં જુગાર રમતા ૫ જુગારીયાઓને ઝડપી પાડી રૂ. ૧,૪૧૦ નો મુદ્દા માલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વસો તાલુકાના દાવડા માંથી જુગાર રમતા ત્રણ જુગારીઓ પાસેથી પોલીસે રૂ. ૨,૬૩૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે નડિયાદ ઢેડા વાડીયા તથા સલુણ બજાર પોળમાં પત્તા પાનાનો જુગાર રમતા ૯ જુગારીયાઓને શહેર પોલીસે રૂ. ૧૭,૧૨૦ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે ચકલાસી, ખેડા, મહેમદાવાદ, મહુધા, વસો તથા નડિયાદ શહેર પોલીસે ૪૫ જુગારીયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરતા જુગારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

(4:27 pm IST)