Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભરૂચ નર્મદા નદીમાં પાણીની આવક વધતા નદીએ ભયજનક સપાટી વટાવી: 13 ગામને એલર્ટ કરાયા

નદીકાંઠા વિસ્તારોના બે ગામોનાં ૬૮૧ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીકાંઠા વિસ્તારોના બે ગામોનાં ૬૮૧ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. નદી કાંઠાના ૧૩ ગામોને એલર્ટ કરાયા છે. ભરૂચ નર્મદા નદીમાં પાણીની આવક વધતા નદીએ ભયજનક ૨૪ ફૂટની સપાટી વટાવીને ૨૫ ફૂટ પર નદીના તોફાની પાણી વહી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે બે ગામમાંથી ૬૮૧ લોકોનું સ્થળાંતર કર્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કા વાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ભરૂચ જિલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ડેમમાંથી ૫.૪૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેને પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ૫૦૧, ખાલપીયા ગામના ૧૭૦ અને ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીના ૧૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.

પૂરથી પ્રભાવિત થતાં અંકલેશ્વરના સરફુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુનગામ, બોરભાઠા, જુના તરીયા, જુના ધંતુરીયા, જુના દિવા સહિતના ૧૩ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે તંત્ર દ્વારા આ ગામોના સરપંચ અને તલાટીઓને પણ સ્થળ ઉપર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ખડેપગે વોચ રાખવામાં આવી છે.

(12:59 am IST)