Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પતિ-સાસરિયાની કંટાળીને મહિલા કોન્સ્ટે. પોલીસની શરણે

પતિ પોલીસ પત્નીની જાસૂસી કરતો હતો : ટ્રાફિક પોલીસમાં ફરજબજાવતી મહિલાએ તેના પતિ, સાસરીઓ સામે દહેજ- માર મારવાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા.૧૮ : ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પત્નીનો પતિ જાસૂસી કરતો હોઈ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્ની જ્યારે વર્દીમાં ડ્યૂટી પર હાજર હોય ત્યારે પતિ પોતાનો કામધંધો છોડીને પોલીસ સ્ટેશનની બહાર જાસૂસી  કરતો. આ સિવાય બાળકને રાખવા માટે સાસુ-સસરા દર મહિને ત્રણ હજાર રુપિયાનો ચાર્જ લેતા હતા. પત્ની ક્યાં જાય છે અને કોની સાથે હસીને વાતો કરે છે આવી તમામ બાબતની પતિ જાસૂસી કરાવતો. આખરે પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતી અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ તેના પતિ અને સાસરીઓ વિરુદ્ધ દહેજ તેમજ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા કોન્સ્ટેબલ મોના (નામ બદલ્યુ છે) પોતાની ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે, મોના અને મનિષ (નામ બદલ્યું છે) એકબીજાને પ્રેમ કરતા હતા. જેથી ૨૦૧૮માં મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં મેરેજ કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદ મનિષની નોકરી છૂટી ગઈ હતી. એટલે તે ઘરે જ હતો.

મહિલાનો આક્ષેપ છે કે, મોનાને થોડા દિવસો સારુ રાખ્યા બાદ સાસરીયાઓ દ્વારા તેને ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. સાસુ અને સસરા મેણાં ટોણાં મારતા કે દહેજમાં કંઈ લાવી નથી. જેથી આખા ઘરનો ખર્ચ તારે ઉપાડવાનો છે, તારા પિતાના ઘરેથી દહેજ લઈને આવ. મનિષ કામધંધો કરે એટલે મોનાએ તેને ઓમલેટ સેન્ટર ખોલી આપ્યું હતું. જો કે, આ ધંધામાં મનિષે સાત મહિનામાં રુપિયા ૧.૪૦ લાખનું નુકસાન કર્યું હતું.

મોના ટ્રાફિક પોલીસમાં નોકરી કરતી હોઈ પોતાના પુત્ર યુવરાજને સાસુ-સસરા પાસે મૂકીને જતી હતી. ત્યારે સાસુ સસરા યુવરાજને રાખવા માટે મોના પાસેથી મહિને ત્રણ હજાર રુપિયા લેતા હતા. એટલું જ નહીં મોનાના ચારિત્ર્ય પર શંકા રાખીને મનિષ તેની સાથે મારઝૂડ કરતો હતો. એવું પણ કહેતો કે, તું બધા જોડે હસી હસીને વાતો કરે છે. મનિષની શંકા ચરમસીમાએ પહોંચતા તેણે મોનાની જાસૂસી કરવાનું શરુ કર્યુ હતુ. મોના જ્યારે ડ્યૂટી પર હાજર હોય ત્યારે મનિષ પોલીસ સ્ટેશન પહોંચી જતો અને બહારથી તેની જાસૂસી કરતો હતો. આખરે કંટાળીને મોનાએ દાણીલીમડા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(8:06 pm IST)