Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજસ્‍થાનથી અમદાવાદ ડ્રગ્‍સની એક પડીકી પહોંચાડે તો 5 હજાર મળતા હતાઃ પોલીસે 2 શખ્‍સોને ઝડપી પાડયા

એસઓજીની ટીમ દ્વારા નારોલ વિસ્‍તારમાં ધરપકડઃ મુકેશ રાજપુત અને મહેન્‍દ્ર દેવાસી કોને ડ્રગ્‍સ આપવાના હતા ? તે દિશામાં તપાસ

અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્‍તારમાં માહિતીના આધારે એસઓજી ક્રાઇમ બ્રાન્‍ચે મેફેડ્રોનના 48 ગ્રામના ડ્રગ્‍સ સાથે આરોપી મુકેશ રાજપુત અને મહેન્‍દ્ર દેવાસીની ધરપકડ કરી છે. 48 ગ્રામ ડ્રગ્‍સના જથ્‍થાની બજાર કિંમત રૂા.4.80 લાખ છે.

અમદાવાદમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. SOG ક્રાઇમની ટીમે ચોક્કસ હકીકત આધારે 2 શખ્સોને 48 ગ્રામના MD ડ્રગ્સના જથ્થા સાથે નારોલમાંથી પકડી પાડ્યા છે. જોકે તેમની પૂછપરછ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ ડ્રગ્સ હેરાફેરી કરવા કેરિયરને 5 હજાર રૂપિયા મળવાના હોવાનો ખુલાસો થયો છે. હાલ આ કેસમાં પોલીસે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ મોકલનારની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયા છે. પકડાયેલા આરોપીઓ નામ મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસી છે. આ બન્ને શખ્સો મુળ રાજસ્થાનના ઝાલોરના રહેવાસી છે. અને  ડ્રગ્સ કેરિયર તરીકે MDનો જથ્થો અમદાવાદમાં આપવા આવ્યા હતા. જોકે આ અંગેની હકીકત SOG ક્રાઇમની ટીમે મળતા નારોલ વિસ્તારમાંથી બંને યુવકોને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું કે, મુકેશ રાજપૂત અગાઉ અમદાવાદ અને વડોદરામાં ડ્રાઇવર તરીકે નોકરી કરી ચુક્યો હતો. જેને પગલે અમદાવાદના રોડ રસ્તાથી વાકેફ હતો.

જ્યારે આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં ઝહીર નામના વ્યક્તિને આપવાનું કામ પૂરું કરવા બન્નેને એક ટ્રીપના 5000 રૂપિયા મળવાના હતા. પરંતુ તે પહેલાં જ SOG ક્રાઇમની ટીમે આ બન્ને શખ્સોને ઝડપી લીધા. પોલીસ પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે, 48 ગ્રામ MD ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકીએ તો 4 લાખ 80 હજારથી વધુ થાય છે જેને પકડવામાં સફળતા મળી છે. SOG ક્રાઈમે આરોપી મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસીની પૂછપરછ કરતા ડ્રગ્સ આપનાર ગોવિંદ ભાટી રાજસ્થાનનો રહેવાસી છે તેનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે અમદાવાદના સરસપુર વિસ્તારમાં ડ્રગ્સ મંગાવનાર ઝહિર નામનઓ વ્યક્તિ અગાઉપણ ડ્રગ્સ મંગાવી ચુક્યો છે. રાજસ્થાનના વોન્ટેડ અને ડ્રગ્સ સપ્લાયર ગોવિંદ ફરાર છે. ત્યારે વોન્ટેડ ગોવિંદ ભાટી અને જાહિરની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે. આ ઉપરાંત તે ક્યાંથી માલ લાવતો હતો તે સમગ્ર ગેંગનો પણ પર્દાફાશ થઇ શકે છે. હાલ તો પોલીસ કડીથી કડી મેળવીને સમગ્ર કેસ ઉકેલવા માટે પ્રયાસો ચલાવી રહી છે, જેથી આગુનો મુળમાંથી જ થતો અટકાવી શકાય.

(5:09 pm IST)