Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વડોદરામાં નરેન્‍દ્રભાઇ મોદીની જાહેરસભામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત : સરકારના મોટા કાર્યક્રમમાં પ્રથમ વખત બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ

૧૦ રસ્‍તા બંધ કરીને ૧૨ વૈકલ્‍પિક રૂટ અપાયા : આઇપીએસ કક્ષાના ૨૦ સહિત અસંખ્‍ય પોલીસ તૈનાત

રાજકોટ તા. ૧૮ : ગતરોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્‍યા હતા. આજે બપોરે તેઓ વડોદરાના લેપ્રસી ગ્રાઉન્‍ડમાં મોટી જનમેદનીને સંબોધશે. મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થવાને કારણે કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે બંદોબસ્‍તમાં મુકાયેલા કેટલાક પોલીસ જવાનોને બોડી વોર્મ કેમેરા આપવામાં આવ્‍યા છે. જેથી સ્‍થળ પરની લાઇવ નિરીક્ષણ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સરકારના મોટા કાર્યક્રમમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ સંભવિત રીતે પ્રથમ વખત કરવામાં આવ્‍યો હોવાનું ધ્‍યાને આવ્‍યું છે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે વડોદરા સહિત મધ્‍યગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપવા અને ગુજરાત ગૌરવ અભિયાનની બીજી કડીમાં સહભાગી થવા વડોદરા આવી રહ્યા છે, ત્‍યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે શહેરના કેટલાક રસ્‍તાઓ બંધ હોવાથી વડોદરા શહેર પોલીસે સામાન્‍ય પ્રજાને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યું છે.
કાર્યક્રમ સંદર્ભે અને પ્રધાનમંત્રીના રૂટના કારણે શહેરના ૧૦ રસ્‍તાઓ બંધ કરવામાં આવ્‍યા છે, જેની સામે ૧૨થી વધારે વૈકલ્‍પિક રૂટ આપવામાં આવ્‍યા છે, જેથી સામાન્‍ય પ્રજા કોઇ પણ પ્રકારની મુશ્‍કેલી વગર સમયસર તેમના ગંતવ્‍ય સ્‍થાને પહોંચી શકે. પ્રવેશબંધીના પોઇન્‍ટ અને વૈકલ્‍પિક રૂટ અંગે વડોદરા શહેર પોલીસે જાહેરાત કરી છે.ᅠ જો કે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા સભા સ્‍થળે જતા લોકો માટે શહેરના તમામ રસ્‍તાઓ ખુલ્લા રાખવામાં આવ્‍યા છે. તેમના માટે કોઇ પ્રવેશબંધી પોઇન્‍ટ નથી.
પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે સભા સ્‍થળે પાંચ લાખથી વધારે માનવ મહેરામણ ઉમટી શકે છે, ત્‍યારે વડોદરા શહેર પોલીસે સટીક અને સુચારૂ પાર્કિંગ વ્‍યવસ્‍થા ગોઠવી છે. તો બીજી તરફ વડોદરા આવી રહેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા માટે અનેક ટીમોને બંદોબસ્‍તમાં મુકવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા અખબારી યાદી અનુસાર, ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવતા પીએમ મોદીની સુરક્ષા માટે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.
સુરક્ષા બંદોબસ્‍તમાં આઇપીએસ કક્ષાના ૨૦ અધિકારી, ડીવાયએસપી કક્ષાના ૩૫ અધિકારી, પીઆઇ કક્ષાના ૧૦૦ અધિકારી તેમજ પીએસઆઇ કક્ષાના ૨૦૦ અને ૨૦૦૦ મહિલા પોલીસ કર્મીઓને મુકવામાં આવ્‍યા છે. તેની સાથે ૨૦૦૦ પોલીસ કર્મચારીએ તેમજ એસઆરપીની ૫ કંપની તથા એનએસજી કમાન્‍ડો અને ચેતક કમાન્‍ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સ્‍થાનિક ડીસીબી, પીસીબી, એસઓજી ની ટીમોને પણ બંદોબસ્‍તમાં મુકવામાં આવ્‍યા છે.
ઉપરાંત ૧૨ ઘોડેસવાર, ૧૦ બીડીડીએસ ટીમ તેમજ સમગ્ર રૂટ પરના સીસીટીવી કેમેરાનું તથા સમગ્ર સભા સ્‍થળ પર સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણᅠ કરવામાં આવશે. તેની સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકની કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે વ્‍હીકલ ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેવામાં બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત જવાનોએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યું છે.

 

(4:39 pm IST)