Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગુજરાતમાં હજયાત્રીઅોની સંખ્યામાં ૬૦ ટકા ઘટાડો

કવોટા અનુસાર ગુજરાતના ૩૦૦૦ હજયાત્રીઅોને જ મળશે પરવાનગી

 

અમદાવાદ, તા.૧૮: હજ કમિટીના સુત્રો અનુસાર, આંતરરાષ્‍ટ્રીય કોવિડ પ્રોટોકોલના કારણે ૨૦૨૨ના કવોટામાં ફકત ૪૦ ટકા હજયાત્રીઓ જ સાઉદી અરેબીયા જઇ શકશે. આનો અર્થ એ થયો કે કોરોના મહામારી પહેલાની સંખ્‍યાના ૬૦ ટકા હજયાત્રીઓ આ વર્ષે સાઉદી અરેબીયા નહીં જઇ શકે. ૨૦૨૨ના કવોટા અનુસાર ગુજરાતમાંથી ૩૦૦૦ હજયાત્રીઓ હજ માટે જઇ શકશે જો કે હજ કમીટીને આશા છે કે અન્‍ય રાજયોમાં બચેલો કવોટા ગુજરાતને મળશે.

૨૦ જૂનથી હજયાત્રા શરૂ થવાની છે. ગુજરાત રાજય હજ કમીટીના સેક્રેટરી આઇ એમ ઘાંચીએ કહ્યું કે વિભીન્‍ન દેશોના હજયાત્રી માટેનો કવોટા સાઉદી અરેબીયાએ નક્કી કરેલો છે. કોરોના કાળ પહેલા હજ યાત્રા માટે ઘણા બધા હજયાત્રી જઇ શકતા હતા. ૨૦૧૯માં કવોટા મુજબ ૧.૪૦ લાખ લોકોએ હજયાત્રા કરી હતી. જેમાં ગુજરાતના ૮૦૦૦ લોકોએ પોતાની હજયાત્રા પુર્ણ કરી હતી. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના મહામારીના કારણે હજયાત્રા બંધ રખાઇ હતી.

શ્રી ઘાંચીએ કહ્યું કે આ વર્ષે ભારતમાંથી ફકત ૭૯,૦૦૦ લોકોને પરવાનગી મળી છે. જેમાં ગુજરાતનો કવોટા ૩૦૦૦ છે. બધા હાજીઓએ આંતરાષ્‍ટ્રીય કોવીડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. તેમણે કહ્યું કે અમદાવાદથી હાજીઓને લઇને જનારી પહેલી ફલાઇટ ૨૦ જૂને ઉપડશે. લઘુમતિ બાબતોનું મંત્રાલય કવોટાનું એલોટમેન્‍ટ કરે છે અને હજ કમિટી ઓફ ઇન્‍ડિયા (મુંબઇ) સાથે મળીને હજયાત્રીનું સમાયોજન કરે છે.

(12:07 pm IST)