Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વડોદરા:શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને  છેલ્લા એક મહિના દરમિયાન શહેરના વિસ્તારોમાં આવેલી મસાલાની દુકાનો, કેરીની વખારો, દૂધની દુકાન, પાણીનું વેચાણ કરતાં યુનિટો વગેરે સ્થળે ઘનિષ્ઠ ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જુદા જુદા ખાદ્ય પદાર્થોના ૩૩૭ જેટલા નમૂના લીધા હતા. જ્યારે કેરી સહિત બગડી ગયેલા ૩૫૦ કિલો ફ્રુટનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિના દરમિયાન શહેરના કારેલીબાગ, નિઝામપુરા, અક્ષર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગોરવા બીઆઇડીસી, સમા, મુક્તાનંદ, ઇલોરાપાર્ક, ખોડીયાર નગર, હાથીખાના, ચોખંડી, વાઘોડિયા રોડ, પ્રતાપનગર, ભાયલી, વાસણા, રાવપુરા સહિતના વિસ્તારોમાં ૫૮ દુકાનો, મસાલાના સાત તંબુઓ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ડ્રિંકિંગ વોટર ઉત્પાદકો, ઠંડા પીણાના ઉત્પાદક, દૂધની વીસ દુકાનો, ફ્રૂટના વિતરકો વગેરેને ત્યાં  સઘન ચેકિંગની કામગીરી આરંભી હતી. જેમાં તેલ, ધી, આઈસ્ક્રીમ, કેરી રસ, મેંગો મિલ્ક શેક, પીણા, દૂધ, પાણી, પનીર, ચીઝ, વિવિધ ચટણી, પ્રીપેડ ફુડ વગેરેના ૩૩૭ સેમ્પલો લેવામાં આવ્યા હતા. તારીખ ૧૩ ના રોજ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતાના ચોકમાં કેરીની ૭૨ વખારોમાં ચેકિંગ કર્યું હતું. ખાસ તો કેરીઓ કાર્બાઇડ પાઉડરથી પકવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. 

(6:36 pm IST)