Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વડોદરા:છેતરપિંડીથી કાર ભાડે કરી પરત ન આપવાના પ્રકરણમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી

વડોદરા : અજમેર દર્શન કરવા માટે ગાડી ભાડેથી લીધા બાદ પરત નહી આપી બારોબાર વેચી દેવાના પ્રકરણમાં વધુ એક આરોપીની કરજણ પોલીસે ધરપકડ કરી છે. આણંદના પીન્કેશે તવેરા ખરીદી બોગસ સહીથી પોતાના નામે ટ્રાન્સફર કરાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના બામણગામમાં રહેતા મહેશ ભીખુભા ચૌહાણ પોતાની પાસેની તવેરા ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમના ઓળખીતા દ્વારા સાધલી ગામમાં રહેતા પરવેઝખા આશીફખા નકુમનો સંપર્ક થયો હતો અને પરવેજખાએ અજમેર દર્શન માટે ભાડેથી તવેરા ગાડી લીધી  હતી. રૂા.૫ લાખ કિંમતની તવેરા ગાડી લઇને ગયા બાદ પરવેઝખાએ પરત કરી ન  હતી અને બાદમાં ખબર પડી હતી કે તેને બારોબાર સોદો કરી નાંખ્યો છે. આ અંગે આખરે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

આ ગુનાની તપાસમાં પોલીસે અગાઉ પરવેઝખાની ધરપકડ કરી હતી બાદમાં ગાડી ખરીદનારાના નામો ખૂલતા એક શખ્સની પણ ધરપકડ થઇ હતી. જ્યારે ગાડી ખરીદનાર પીન્કેશ કનુભાઇ પટેલ(રહે.રામદેવકૃપા હોસ્પિટલ પાછળ, ગંગોત્રી દર્શન એપાર્ટમેન્ટ, આણંદ)નું પણ નામ ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પીન્કેશે આરટીઓમાં ગાડી ટ્રાન્સફર કરાવવા માટે ગાડીના મૂળ માલીકની જાતે સહી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

(6:32 pm IST)