Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગાંધીનગર:દૂધના વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ડ્રાઈવરને પોલીસે ઝડપી 10.68 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર : ઉવરસદ રેલવે ફાટકથી ત્રિ મંદિર તરફ જવાના નાળિયામાં દુધના વાહનમાં વિદેશી દારૃનો જથ્થો હોવાની બાતમીના આધારે અડાલજ પોલીસે સ્થળ ઉપર પહોંચીને આ કન્ટેનરમાંથી વિદેશી દારૃની બે હજાર જેટલી બોટલ કબજે કરી દીધી હતી. ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તેના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે અને બુટલેગરો પણ પોલીસને થાપ આપવા માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. ટ્રકમાં માલ સામાનની આડમાં દારૃ લઇ જવામાં આવી રહ્યો છે ત્યારે હવે દુધના વાહનનો પણ દારૃની હેરાફેરી માટે ઉપયોગ શરૃ થયો છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ રેલવે ફાટકથી ત્રિ મંદિર તરફ જવાના નાળિયામાં એક દૂધનું વાહન પડયું છે જેમાં વિદેશી દારૃનો જથ્થો છે. જે બાતમીને પગલે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ડ્રાઇવર મળી આવ્યો ન હતો. પોલીસે આ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૃની અલગ-અલગ બ્રાન્ડની ૬.૬૮ લાખની ૨૦૧૬ બોટલ મળી આવી હતી જેના પગલે પોલીસે કન્ટેનર અને દારૃ મળી ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને ડ્રાઇવરની શોધખોળ શરૃ કરી હતી.

(6:32 pm IST)