Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હાર્દિક ભાજપમાં જોડાય તો ટંકારા, મોરબી, મહેસાણા અથવા વીરમગામમાં ચૂંટણી લડાવાય તેવી શકયતા

નીતિન પટેલ, બ્રિજેશ મેરજા જેવા દિગ્‍જજો સામે ડોકાતો પડકાર : કોંગી અગ્રણીના ભાજપમાં પ્રવેશના ‘તીવ્ર' પ્રત્‍યાઘાત પડવાની ધારણા

રાજકોટ, તા., ૧૮: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટી સામે નારાજગી બતાવ્‍યા બાદ આજે આખરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.  હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શકયતા છે. જો ધારણા મુજબ ભાજપમાં જોડાય તો તેને વિધાનસભાની ચુંટણી લડાવાય તે સ્‍વભાવિક છે. રાજકીય અને જ્ઞાતિગત સમીકરણો જોતા ભાજપ તેને અમુક બેઠકો પૈકી જ કોઇ બેઠક પર ચુંટણી લડાવે તેવી શકયતા છે. જયાં હાર્દિકને ટીકીટ અપાશે તે વિસ્‍તારના ભાજપના કાર્યકરોની ટીકીટની આશા પર પાણી ફરી વળશે.
જયાં કડવા પાટીદાર મતદારોનું પ્રમાણ મોટુ હોય તેવા વિસ્‍તારમાં જ હાર્દિકને ભાજપ ટીકીટ આપે તેવી શકયતા છે. હાર્દિકનું જયાં વિશેષ કાર્યક્ષેત્ર હોય ત્‍યાં પણ ટીકીટ મળી શકે છે. સૌરાષ્‍ટ્રમાં મોરબી, પડધરી-ટંકારા, જામજોધપુર જેવી બેઠક પર ટીકીટ મળી શકે છે. ઉતર ગુજરાતમાં તેના માટે મહેસાણા બેઠકને રાજકીય સમીક્ષકો સૌથી વધુ સુસંગત ગણે છે. આ બેઠક પર હાલ પુર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ ચુંટાયેલા છે. અમદાવાદ જિલ્લાનો વિરમગામ મત વિસ્‍તાર હાર્દિકનો વિસ્‍તાર છે. ત્‍યાં તથા પડધરી-ટંકારામાં કોંગ્રેસના ધારાસભ્‍ય ચુંટાયેલા છે. મોરબી બેઠક પર હાલ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પ્રતિનિધિત્‍વ કરી રહયા છે.
હાર્દિકના ભાજપ પ્રવેશથી અનેક સમીકરણોમાં ફેરફારની સંભાવના છે.તેની ભાજપ સામેની હમણા સુધીની લડાઇ તેમજ ચોક્કસ છાપ સહીતના મુદ્દા તેની કારકીર્દીમાં ભુમિકા ભજવશે. હાર્દિકના હવે પછીના પગલાની ભાજપ-કોંગ્રેસ સહીતના પક્ષોમાં નોંધપાત્ર અસર જોવા મળશે. અંદર અને બહાર તીવ્ર પ્રત્‍યાઘાત પડવાની ધારણા છે.

 

(3:37 pm IST)