Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

જે લોકો પાસે ચંપલ નથી પગમાં પહેરવા એમણે અફસોસ ન કરવો, દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને ચંપલ પહેરવા માટે પગ જ નથી

આપણને ભગવાને આપેલ અનમોલ ભેટની કદર કરીએ કારણ કે "સપનાઓ અને લક્ષ્યમાં અંતર છે. સપનાઓ માટે ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે મહેનત કરવી જોઈએ.

અમદાવાદ : તમારી પાસે જો સ્વસ્થ, તંદુરસ્ત શરીર છે તો તમારી પાસે અનમોલ મિલકત છે. સંપૂર્ણ સ્વસ્થ શરીર મળવુંએ પણ આપણી કિસ્મત જ છે. આપણા શરીરના દરેક અંગો ખૂબ જ કિમતી છે. ડોક્ટર પાસે આપણે ખાલી એક નવો દાંત નખાવો હોય તો પણ કેટલા પૈસા ખર્ચવા પડે છે. તો નકલી હાથ, પગ, આંખોના કેટલા પૈસા થાય? કેટલું બધું ભગવાને આપણને મફત આપ્યું છે. ક્યારેય એવો પ્રશ્ન આવ્યો છે મનમાં કે તમારું શરીર અનમોલ ભેટ છે. કુદરતની આપેલ ભેટનો યોગ્ય ઉપયોગ કરો. ઘણા લોકો એવું માને છે કે મારુ નસીબ ખરાબ છે મારી પરિસ્થિતિ ખરાબ છે નસીબ સાથ આપતું જ નથી.

તો નસીબના આધારે બેસી રહેવાની બદલે મહેનત એટલી લગન અને ઈમાનદારીથી કરો કે નસીબ સામેથી તમને આવીને કહે કે "લઈ લે બેટા આલે તારો હક છે" મહેનત કરશો તો નસીબ બદલતા વાર નહીં લાગે કામ ને પ્રેમ કરો. તમારું ભાગ્ય તમારે જ લખવું પડશે. આ કોઇ ટપાલ નથી કે તમે બીજા પાસે લખાવો. નસીબના આધારે ન બેસી રહો અને ખૂબ પરિશ્રમ કરો, તમારુ નસીબ ફક્ત તમારા હાથમાં જ છે.

તમારે જાતે નક્કી કરવાનું છે કે તમારે એમાં શું લખવું છે. જેટલા તમે તમારા કામમાં કઠોર બનશો એટલી જ જિંદગી સરળ થતી જશે અને જો આળસુ અને પોતાનું કામ કાલ કરીશ એવા વિચારોથી ચાલશો તો તમારી જિંદગી વધારે કઠોર બનતી જશે. મહેનતની સાથે સાથે એક વાતએ પણ ખાસ ધ્યાન રાખવી કે આપણી આજુબાજુનું વાતાવરણ, તમારા સંપર્કમાં કેવા લોકો છે એ પણ ખુબ જ મહત્વની બાબત છે. એવા લોકોના સંપર્કમાં ન રહો જે બીજાના પર નિર્ભર રહેતા હોય. દરેક કામ ટાળતા હોય. કાલે કરીશ એમ વિચારીને બેસી રહેતા હોય.

પણ એવા લોકોની સંગત કરો કે એકલા જ ચાલવાની હિંમત અને હુન્નર રાખતા હોય, હંમેશા ટોળાથી દુર ચાલતા શીખો. ટોળામાં ચાલવુંએ તમારું લક્ષ્ય ન હોવું જોઈએ. પણ એ  ઝુંડ જેના માટે જમા થયુ છે એ વ્યક્તિ તમે બનો અને તેના માટે અથાગ પરિશ્રમ જરૂરી છે. કારણ કે તમે ઘણા સપનાઓ જોયા હશે. ઘણા વાયદા કર્યા હશે પોતાની જાત સાથે. તે ક્યારેય ન તોડો. જીવનમાં સૌથી મોટી ભૂલો જે તમે પહેલા કરી છે એ હવે ફરીથી ન કરો.

તમે ઘણા સપનાઓ જોવો છો વિચારો છો પણ અમલમા નથી મુકતા કારણ કે રોજ વિચારો છો કે હું  આ કામ કાલે કરીશ. પણ તમે એ કામ કરતા નથી અને ટાળો છો. દાખલા તરીકે તમે એમ વિચારો છો  કે કાલ સવારથી હું એક કલાક કસરત કરીશ. જીમ જઈશ. રોજ હું વાંચીશ. હું રોજ લખીશ. હું આ કરીશ હું પેલું કરીશ પણ અમલમાં મૂકતા નથી. કોઈ પણ કામ કાલ પર ન છોડો અને કોઈ નવા કામમાં. કોઈ સાહસ કરવું પડે તો કરો અને આ બધા કામમાં પોતાનો સમય આપો. પોતાના નિયમો બનાવો અને તેને તોડવાને બદલે અમલમાં મૂકો. કારણ કે કોઈપણ સપનાઓ પુરા કરવા માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. બાકી પથારીમાં સુતા સુતા જોયેલા સપના ક્યારેય પૂરાં નથી થતાં અને સપના સપના જ રહી જાય છે. પથારી છોડીને ઉઠો અને ખૂબ મહેનત નિષ્ઠાથી કરો. 

 દરેક સપનાઓ પુરા થશે નસીબને દોશ દેવાને બદલે નસીબને બદલતા શીખો. જે સપનાઓ જોયા છે તે પૂરા કરીને જ રહો. જે તમે બનવા માગો છો એ બનીને બતાવો. સવારથી સાંજ સુધી તમને ખબર છે કે આપણે એવા ઘણા બધા કામ કરીએ જેમાં આપણો કિંમતી સમય બગડે છે. તમે તમારો સમય બચાવી શકો છો. તમે એક લિસ્ટ બનાવો કે તમારે જીવનમાં કયા કયા કામો કરવા છે અને તમારી પાસે કેટલો સમય છે. તમે તમારો સમય બચાવીને તમારા કામ કરી શકો અને સમયનો સદ્ઉપયોગ કરી શકો છો. કોઈ નવી સ્કિલ તમે શીખી શકો છો. કારણ કે ટાઈમ પાસ કરવામાં તો આખી જીંદગી જતી રહેશે.

એટલે થોડા થોભો અને વિચારો કે કયા કયા તમારો સમય બગાડ્યો છે એને સુધારો. અનમોલ શરીરનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો મશીનની જેમ કાટ લાગી જશે અને બગડી  જશે. ખૂણામાં પડ્યું પડ્યું સડી જશે એટલે આ શરીરનું પણ એવું જ છે જો આપણે નસીબને આધારે બેસીને યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો એક ખૂણામાં પડ્યું પડ્યું સડી જશે. આખી જિંદગી કિસ્મતના આધારે પૂરી થઈ જશે. તો ચાલો આપણને ભગવાને આપેલ અનમોલ ભેટની કદર કરીએ કારણ કે "સપનાઓ અને લક્ષ્યમાં અંતર છે. સપનાઓ માટે ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે મહેનત કરવી જોઈએ."
લેખિકાઃ- દર્શના પટેલ (અમદાવાદ)

(5:10 pm IST)