Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

દક્ષિણ ભારત મેડીકલ કોલેજમાં એડમીશનના બહાને રૂ.૧૩ લાખની ઠગાઇના પ્રકરણમાં બે શખ્સો ઝડપાયા

સુરતઃ મેડીકલ કોલેજમાં એડમીશન મામલે રૂ.૧૩ લાખની ઠગાઇ કરવાના પ્રશ્ને બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ દક્ષિણ ભારતની કોઈપણ મેડિકલ કોલેજમાં એમ.એસ. ઓર્થોપેડિકમાં એડમિશન અપાવવાનું કહી રૂ. 65 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જેમાંથી ટુકડે ટુકડે રૂ. 13 લાખ લઈ લીધા બાદ એડમિશન ન અપાવતા મામલો પોલિસ સુધી પહોંચ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે બે યુવાનોની ધરપકડ કરી છે.

2017ના વર્ષમાં એક અખબારમાં જાહેરખબર પ્રસિદ્ધ થઈ હતી કે એમડી-એમએસ મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન મેળવવા સંપર્ક કરો. આ રીતે સુરતના ડો. અજયભાઈ બટુકભાઈ જસાણી (રહેઃહરેકૃષ્ણ સોસાયટી, કતારગામ)એ ઝાકીર હુશેન હયાતખાન નાગોરી (ઉ.વ.44, રહેઃ નાદોતરા ગામ, તા. વડગામ, જિ. બનાસકાંઠા) નો સંપર્ક કર્યો હતો. તેણે અને તેના સાગરીત આકાશ સુધીર ડાભી (ઉ.વ.42, રહેઃ વાયબ્રન્ટ સિલ્વર-1, જૈનદેરાસરની પાછળ, બોપલ, અમદાવાદ,મૂળ રહેઃ જૂનાગઢ) એ સાથે મળી દક્ષિણ ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાં એમ.એસ. ઓર્થોપેડિકમાં એડમિશન અપાવવાનું કહી રૂ. 65 લાખની માગણી કરી હતી. બેંક એકાઉન્ટ અને આંગડિયા મારફતે રૂ. 13 લાખ લઈ લીધા હતા.

ત્યાર બાદ એડમિશન તો ન આપ્યું પણ રૂ. 13 લાખ પણ પરત ન કર્યા. આખરે ડો. જસાણીએ ક્રાઈમ બ્રાંચમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે બન્નેની ધરપકડ કરી રૂ. 8 લાખ કબજે કર્યા છે. વધુ તપાસ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ એમ.જી. પાટિલ કરી રહ્યા છે.

 

(11:02 pm IST)