Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુરતના યુવાનનું બિરયાની ખાધા બાદ મોત નિપજ્યું

પ્રેશર વધી જતા યુવાનના મગજની નસ ફાટી ગઈ : બિરયાની ખાધા પછી યુવકના મોંમાંથી ફીણ નિકળ્યું હતું

સુરત, તા. ૧૮ : સુરતના ચોકબજાર, કમાલ ગલીમાં બિરયાની ખાઈને ઘરે આવેલા હોડી બંગલાના યુવાનનું બેભાન થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન પ્રેશર વધી જતા મગજની નસ ફાટી જવાથી તેનું મોત થયાનું સામે આવ્યું હતું.

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હોડી બંગલા ખાતે મુસીબતપુરા મદારીવાડમાં રહેતો અબ્દુલ રજાક બાબુભાઈ શેખ (ઉં.વ. ૪૦) ગેરેજ ચલાવતો હતો. દરમિયાન, ગત તા. ૧૫મીએ બપોરે અબ્દુલ રજાક ચોકબજાર, કમાલ ગલીમાં કાશ્મીરી બિરયાની ખાવા ગયો હતો. ત્યારબાદ બિરયાની ખાઈને સવા ત્રણેક વાગે ઘરે આવેલો અબ્દુલ રજાક બેભાન થઈ ગયો હતો. બેભાન થયેલા અબ્દુલ રજાકના મોઢામાંથી ફીણ નીકળતું જોઈ મિત્ર સુરેશ સોલંકીએ તેને સારવાર માટે લોખાત હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અબ્દુલ રજાકના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

બનાવની તપાસકર્તા લાલગેટ પોલીસ મથકના એ.એસ.આઈ. હનીફ મુજાવરે જણાવ્યું હતું કે, મૃતક અબ્દુલ રજાકનું સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં પ્રેશર વધી જવાને લીધે તેની મગજની નસ ફાટી જતા મોત નીપજ્યું હોવાનું તબીબોએ કહ્યું હતું. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

(7:45 pm IST)