Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સીએ ફાઇનલ કોર્સનું રિઝલ્ટ જાહેર : અમદાવાદ ૩ ટોપમાં

સીએ સીપીટી કોર્સનું ૫૨.૭૦ ટકા પરિણામઃ અમદાવાદના પ્રાપ્તિ પંચોલી, કિશન મેર તેમજ કલ્યાણી મહેતાએ દેશભરમાં શહેર તેમજ રાજયનું ગૌરવ વધાર્યું

અમદાવાદ,તા. ૧૮, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ) દ્વારા નવેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓપ્રાપ્તિ પંચોલી, કિશન મેર અને કલ્યાણી મહેતાએ ટોપ ૫૦(ફીફ્ટી)માં સ્થાન હાંસલ કરી શહેર અને રાજયનું ગૌરવ દેશભરમાં વધાર્યું છે. અમદાવાદનું ગૌરવ વધારનારા સીએ ફાઇનલના આ ઝળહળતા ત્રણ વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીની છે. આ જ પ્રકારે આઇસીએઆઇ દ્વારા ડિસેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએ સીપીટી એટલે કે, કોમન પ્રોફિસિએન્સી ટેસ્ટનું પરિણામ પણ જાહેર કરાયું હતું, જે એકંદરે ૫૨.૭૦ ટકા જેટલું રહ્યું હતું એમ અત્રે આઇસીએઆઇના અમદાવાદ બ્રાંચના ચેરમેન ચિંતન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીએ ફાઇનલની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૨૮.૩૩ ટકા નોંધાયું છે. નવેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએ ફાઇનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપમાં તથા કોઇપણ એક ગ્રુપમાં ૩૦,૦૫૪ વિદ્યાર્થીઓમાંથી ૬૮૪૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૨.૭૬ ટકાવારી દર્શાવે છે. ગ્રુપ વનમાં ૩૯,૩૨૮ વિદ્યાર્થીઓમાંથી ૬૨૫૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જયારે ગ્રુપ-૨ માં ૩૯,૭૫૩માંથી ૬૦૦૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આઇસીએઆઇ દ્વારા દર વર્ષે મે અને નવેમ્બર માસમાં સીએ ફાઇનલની પરીક્ષા લેવામાં આવે છે. સીએ ફાઇનલનું સમગ્ર દેશનું પરિણામ ૨૨.૭૬ ટકા રહ્યું છે, જે ગત મે ની પરીક્ષા કરતાં ૦.૨૨ ટકા ઘટયું છે અને ગત નવેમ્બરની પરીક્ષા કરતાં ૧૧.૧૮ ટકા વધ્યું છે. સીએ ચિંતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએ સીપીટીની પરીક્ષામાં પણ સમગ્ર દેશમાંથી ૬૦૫૮૬ વિદ્યાર્થીઓમાં કુલ ૨૩.૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદ સેન્ટરમાંથી ૧૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ૮૪૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, એકંદરે ૫૨.૭૦ ટકા પરિણામ આવ્યું હતું. ગત જૂનની પરીક્ષાના પરિણામની સરખામણીએ આ પરિણામ ૨.૫ ટકા જટેલું ઘટયું છે. આઇસીએઆઇ દ્વારા દર વર્ષે જૂન અને ડિસેમ્બર માસમાં સીએ સીપીટીની પરીક્ષા લેવામાં આવે છે. સીએ ફાઇનલની પરીક્ષાના પરિણામમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ ૫૦માં સ્થાન હાંસલ કરી દેશભરમાં અમદાવાદ શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, જે આઇસીએઆઇ માટે પણ ગૌરવની વાત છે.

(9:59 pm IST)