Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઉત્તરપ્રદેશ : ચાર વર્ષમાં ૨૦ લાખને રોજગારી પુરી પડાશે

લખનૌમાં ૨૧-૨૨ ફેબ્રુઆરીએ ઇન્વેસ્ટર્સ સમીટઃ ઇન્વેસ્ટર્સ સમીટને લઇને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પ્રતિનિધિમંડળની સાથે ગુજરાતની મુલાકાતે

અમદાવાદ,તા. ૧૮, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમ્યાન ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે ઇન્વેસ્ટર્સ સમીટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૃપે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે અમદાવાદમાં આ અંગેનો રોડ-શો(સેમીનાર-કાર્યક્રમ) પણ યોજાયો હતો. આ પહેલાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી સહિતના મહાનુભાવોની મુલાકાત લઇ તેમની પાસેથી વાયબ્રન્ટ સમીટમાં ગુજરાત સાથે ૧૨ દેશો અને ભારતના ચાર રાજયોએ કરેલ સહભાગિતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. દરમ્યાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને ઉદ્યોગ વિકાસ કમિશનર ડો.અનુપચંદ્ર પાંડે(આઇએએસ)એ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની આ ઇન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રકારની સમીટ દ્વારા ઉત્તરપ્રદેશમાં અમે આવનારા ચાર વર્ષોમાં ૨૦ લાખ લોકોને રોજગારી અને પાંચ લાખ કરોડનું રોકાણ લાવવાની પરિક્લ્પના રાખી રહ્યા છીએ. સાથે સાથે સ્વરોજગારીના મુદ્દાને એટલું જ પ્રોત્સાહન અપાશે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, ઉદ્યોગ મંત્રી સતીષ મહાના અને ઉદ્યોગ વિકાસ રાજયમંત્રી સુરેશ રાણાએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકારને આવ્યે હજુ દસ મહિના થયા છે પરંતુ આ દસ મહિનામાં ઉત્તરપ્રદેશના કાયાક્લ્પની શરૃઆત કરી દીધી છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સૌથી પહેલી પ્રાધાન્યતા આપવાની સાથે રાજયની ઉદ્યોગ નીતિ, ટુરીઝમ, ફાર્મા, આઇટી સહિતના ક્ષેત્રોની નીતિમાં પણ ધરખમ ફેરફાર અને બદલાવ કરાયો છે. ઉત્તરપ્રદેશ સરકાર વિકાસની નવી ક્ષિતિજો હાંસલ કરવા જઇ રહી છે અને તેમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સહભાગી બનવાના હેતુથી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમ્યાન લખનૌ ખાતે ઇન્વેસ્ટર્સ સમીટ-૨૦૧૮નું આયોજન કરાયું છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અહીં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને વીજળી, રસ્તા, પાણી અને સુગમતાભરી સુવિધાઓ આપવા તત્પર છે.

એટલું જ નહી, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમના માટે ખાસ ઇન્સેન્ટીવ અને અનેકવિધ રાહતોની પણ જાહેરાત કરવામાં આવશે. તેમણે સ્વીકાર્યુ હતું કે, આ પ્રકારની સમીટ યોજવા પાછળની પ્રેરણા તેઓને વાયબ્રન્ટ ગુજરાત સમીટમાંથી મળી છે કે જેના મારફતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. ઉત્તરપ્રદેશ હવે કન્ઝયુમર માર્કેટ બની ગયું છે. ટુરીઝમથી લઇ ધાર્મિક અને ઐતિહાસિક, સાંસ્કૃતિક ધરોહરની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ હવે ઉદ્યોગ સાહસિકો માટે વિપુલ તકો રહેલી છે અને તેથી જ ગુજરાત ઉદ્યોગ સાહસિકો અને મૂડીવાદીઓને ઉત્તરપ્રદેશના સમીટમાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવે છે.

(9:59 pm IST)