Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વડોદરાના પોલીસ પર હુમલો કર્યા બાદ નામચીન બુટલેગર હિતેશ હોસ્પિટલમાંથી ફરાર

વડોદરા:નજીક રતનપુર ગામે પોલીસના માણસો પર હુમલો કરનાર નામચીન બુટલેગર હિતેશ ઉર્ફે પપ્પુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેને રજા મળતાજ ફરાર થઇ ગયો હતો. જેનો હજી સુધી કોઇ પત્તો નથી.

હિતેશ ઉર્ફે પપ્પુ હોસ્પિટલમાં  દાખલ હોવા છતા પોલીસે કોઇ અસરકારક પગલા નહી લેતા તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ દ્વારા હવે હોસ્પિટલને નોટીસ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણની આગલી રાત્રે વરણામા પોલીસ સ્ટેશન સ્ટાફના ત્રણ માણસો પર રતનપુર ગામના બુટલેગર પરિવારના સભ્યો તેમજ અન્ય વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનને ઇજા થઇ હતી. 

આ અંગે વરણામા પોલીસે બુટલેગર પરિવારના સભ્યો તેમજ અન્ય ૧૦થી ૧૫ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં  રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કર્યા હતાં.

રતનપુર ગામે થયેલા હુમલા બાદ રાકેશ ઉર્ફે લાલાનો ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ ડભોઇરોડ સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલી મંગલમ હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસને તેની જાણ થતા પપ્પુને હોસ્પિટલમાંથી રજા મળતાજ ધરપકડ કરવા અસરકારક કામગીરી નહી કરતા પપ્પુને રજા મળતાજ હોસ્પિટલમાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસ પર હુમલો કરાવવામાં હિતેશ ઉર્ફે પપ્પુનો મુખ્ય રોલ હતો પરંતુ તેને ભગાડવામાં પોલીસેજ મેદાન આપ્યુ હોય તેમ જણાતુ  હતું. ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળુ મારવા જેવો ઘાટ સર્જાતા આખરે પોલીસે હવે હોસ્પિટલની સામે પગલા લેવાની કમર કસી છે અને હોસ્પિટલને નોટિસ આપી ડોક્ટરનો જવાબ લેવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

(5:18 pm IST)