Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

તાપી નદી કિનારે છઠ પૂજાનું આયોજન નહિ થાય : પોતાના ઘરે જ છઠ પૂજા કરવા અપીલ

મંજૂરી નહીં મળતા સાર્વજનિક છઠ પૂજા સમિતિનો નિર્ણંય : પોસ્ટરો અને બેનરો દ્વારા લોકોને જાણ કરાઈ

સુરત શહેરમાં કોરોના મહામારીના કારણે આ વખતે છઠ પૂજાનું આયોજન જાહેરમાં થશે નહીં. છઠપૂજા સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે હવે સુરતમાં વસતા સમસ્ત બિહાર અને ઝારખંડ સમાજના લોકો ઘરે જ છઠ પૂજા કરશે. આ વખતે સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે સૂર્ય પુત્રી તાપી નદી કિનારે કોઈપણ પ્રકારનું છઠ પૂજાનું આયોજન થશે નહી તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

સુરતમાં બિહાર અને ઝારખંડના આશરે આઠ લાખ લોકો રહે છે. બિહાર બાદ મુંબઈ અને સુરતમાં છઠપૂજાની રોનક જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાવાયરસની મહામારીના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં છઠ પૂજા કરવા માટેની પરવાનગી ન આપતા શહેરના તમામ છઠપૂજા સમિતિ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે નહીં.

દર વર્ષે તાપી નદી કિનારે છઠ પૂજા માટે આયોજન સમિતિ દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે પાલિકા દ્વારા પરવાનગી ન મળતાં તાપી નદી કિનારે આ વખતે પૂજા માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે નહીં.

સાર્વજનિક છઠપૂજા સમિતિએ જણાવ્યું છે કે, લોકોને અપીલ છે કે તેઓ પોતાના ઘરે છઠ પૂજા કરે. આ વખતે પરવાનગી ન મળવાના કારણે સમિતિ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. સાથે લોકોમાં આ સંદેશ પહોંચે એ માટે જે વિસ્તારમાં બિહાર સમાજના લોકો રહે છે ત્યાં પોસ્ટર અને બેનર લગાવીને જાણકારી આપવામાં આવી રહી છે જેથી છઠપૂજાના દિવસે લોકો તાપી નદી કિનારે એકતા ના થાય.

(11:54 pm IST)