Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પેટાચૂંટણીમાં વિજેતા થયેલા આઠ ધારાસભ્યોનો 19મીએ લાભપાંચમે શપથગ્રહણ સમારોહ યોજાશે

ભાજપનું સંખ્યાબળ વધીને 111 થશે :તમામ 8 બેઠકો ગુમાવનાર કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 65 રહેશે

અમદાવાદ : પેટા ચૂંટણી પરિણામોમાં જીતેલા ભાજપના 8 ધારાસભ્યો લાભ પાંચમે શપથ ગ્રહણ કરશે. તેની સાથે જ વિધાનસભા ગૃહમાં ભાજપના સભ્યોની સંખ્યા 111 થઇ જશે .જયારે તમામ 8 બેઠકો ગુમાવનાર કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 65 રહેશે

લાભ પાંચમે 19 નવેમ્બરના રોજ શપથ સમારંભ બાદ 182 સભ્યોના વિધાનસભા ગૃહની સ્થિતિ ભાજપ 111, કોંગ્રેસ 65, બીટીપી 2, એનસીપી 1 અને અપક્ષ 1 થઇ જશે. બે બેઠકો હજુ ખાલી છે. આ બેઠકો દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ છે.

ગુજરાતમાં 23મી ઓક્ટોબરે થયેલી 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને 55 ટકા, કોંગ્રેસને 34.4 ટકા મત મળ્યા હતા. આ રીતે કોંગ્રેસે આઠેય બેઠકો તો ગુમાવી દીધી, સાથે તેના વોટ શેરમાં પણ ઘટાડો થયો છે

અગાઉ વિધાનસભા ચૂંટણીમાં આ તમામ 8 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. પરંતુ થોડા સમય પહેલાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવો કરી તેના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. પેટા ચૂંટણીમાં 8.46 ટકા વોટ અન્ય ઉમેદવારોને મળ્યા હતા. જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા

તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ડાંગ બેઠક પર 30 હજારથી વધુની લીડ સાથે જીતી હતી. જ્યારે મોરબીમાં બ્રિજેશ મેરજા બહુ જ પાતળી સરસાઈથી જીત્યા હતા. જોકે, દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે

(7:49 pm IST)