Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્‍પિટલમાં ડોકટરોની હડતાલ સમેટાઇઃ મેનેજમેન્‍ટ સીનીયર ડોકટરોની સમજાવટથી મામલો થાળે પડયો : હોસ્‍પિટલમાં રાબેત મુજબની કામગીરી ચાલુ : મેનેજમેન્‍ટ

અમદાવાદઃ અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્‍પિટલના ડોકટરોએ ઇન્‍ફેકશનના પ્રશ્ને પાડેલી હડતાલ સમેટાઇ ગઇ છે. હોસ્‍પિટલ મેનેજમેન્‍દ્ર તથા સીનીયર ડોકટરોની સમજાટથી મામલો થાળે પડયો હતો. અને હોસ્‍પિટલમાં રાબેતા મુજબની કામગીરી ચાલુ હોવાનું હોસ્‍પિટલના મેનેજમેન્‍ટે જણાવ્‍યું હતું.

કોરોના મહામારીમાં કેસોની વધતી જતી સંખ્યાના કારણે હોસ્પિટલો હાઉસ ફૂલ થવા લાગી છે. કોર્પોરેશન સંચાલિત SVP તથા સિવિલ હોસ્પિટલની તમામ પથારીઓ પણ ભરાવા લાગી હોવાની વાતો છે. ત્યારે SVP હોસ્પિટલમાં આજે સવારે ડોકટરોએ કામકાજથી અળગા રહીને હડતાળ પાડી હતી. કેમ કે તાજેતરમાં ડોકટરોના કોરોના ટેસ્ટમાં SVP, એલ.જી, હોસ્પિટલ તેમ જ શારદાબેન હોસ્પિટલના 60 જેટલાં ડોકટરોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે બાબતને લઇને પણ ડોકટરોમાં ઇન્ફેકશનનું વધતા જતાં પ્રમાણને લઇને ડોકટરોમાં કચવાટ છે. ઉપરથી કામકાજનું ભારણ તથા દર્દીના એડમિશન બાબતે રકઝક થતાં રેસીડેન્ટ ડોકટર્સ એક સાથે મળીને મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતને ધ્યાનમાં લઇને SVP હોસ્પિટલ મેનેજમેન્ટ તથા સિનિયર ડોકટરો દ્વારા આ બાબતને તરત ગંભીરતાથી લઇને રેસિડેન્ટ ડોકટરો સાથે ચર્ચા કરી હતી. તથા તેઓના પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવારમાં કોઇ જ રૂકાવટ ન આવે તે મુજબ માત્ર અડધા કલાકના સમયમાં જ તમામ રેસિડેન્ટ ડોકટરના પ્રશ્નનું સમાધાન થઇ જતાં ડોકટરો પોતાની ડયૂટી પર લાગી ગયા હતા. હાલમાં હોસ્પિટલ ખાતેની કામગીરી રાબેતા મુજબ ચાલુ હોવાનું અને રેસિડેન્ટ ડોકટર્સ ડયૂટી પર હાજર હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.

અગાઉ પણ કોન્ટ્રાકટ પર કામ કરતાં કર્મચારીઓએ હડતાલ પાડી હતી. જો કે તેમાં પણ પાછળથી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. આમ એસ.વી.પી. હોસ્પિટલોમાં આવા કપરા સમયમાં હડતાલ પર જવાની સીસ્ટમ હજુ ચાલુ જ છે.

(11:58 pm IST)