Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અંગદાન કરવામાં મહિલાઓ ૭૪.૨ ટકા સાથે અગ્રેસર છે

કીડની ઈન્સ્ટીટ્યુટના કરેલ અભ્યાસનું તારણ : દાતા તરીકે ૭૪.૨ ટકાની સાથે મહિલાઓ મોખરે છે જ્યારે પુરુષો ૨૫.૮ ટકા અંગદાન કરે છે : અભ્યાસ

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડિસીઝ અને રીસર્ચ સેન્ટર દ્વારા જીવંત અંગ પ્રત્યારોપણ કરવામાં અંગદાન દાતા તરીકે ૭૪.૨ ટકા સાથે મહિલાઓ મોખરે છે. જ્યારે પુરુષો ૨૫.૮ ટકા અંગદાન કરે છે. તેવું તાજેતરમાં હાથ ધરાયેલ અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું હતું. અમદાવાદ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા રસપ્રદ  અભ્યાસમાં જીવંંત અંગ પ્રત્યારોપણમાં લૈગિક વિષમતાએ સૌથી મોટી સામાજિક ચિંતા બનીને ઉપસી આવી છે. પ્રત્યારોપણ લિંગ સમાનતામાં શા માટે દાતાઓ મુખ્યત્વે મહિલા અને પ્રાપ્તકર્તા પુરુષો છે. આ શીર્ષક ધરાવતા આ અભ્યાસે એવી પુષ્ટી કરી હતી કે અંગ પ્રત્યારોપણ ની વાત આવેતો મહિલાઓની સ્થિતિ નબળી હોય છે. આની પાછળ ભારતમાં નીચું શિક્ષણનું સ્તર ગરીબી અને સંસ્થાકીય અસમાનતાઓને લીધે સ્ત્રીની હાલત હંમેશા પ્રતિકુળ જ હોય છે.

             મોટેભાગે પુરુષ કુટુંબનો એકમાત્ર કમાણી કરનારા વ્યક્તિ છે અને જો બ્લડગૃપ મેચ થાય તો સમગ્ર પરિવાર અંગદાનની અપેક્ષા પત્ની પાસે રાખે છે. કીડની ઈન્સ્ટીટ્યુટના નિયામક ડૉ. વીનીત મીશ્રાએ અભ્યાસના પરિણામની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે જીવંત કીડની પ્રત્યારોપણમાં ૯૦ ટકા જીવનસાથીના રુપમાં દાતાઓમાં મહિલા હોય છે. જ્યારે ૧૦ ટકા પુરુષો છે. જ્યારે માતાપિતાની વાત દાતા તરીકે આવે તો ૯૦ ટકા મહિલા અને ૩૦ ટકા પુરુષો છે. જેમાં ૭૫ ટકા મહિલા અને ૨૫ ટકા પુરુષ છે. વલણ ઊલ્ટું થઇ જાય છે કે જ્યારે બાળકો એલકેઆરટી માટે અંગદાન કરે છે. જ્યાં ૪૦ ટકા છોકરી અને ૬૦ ટકા છોકરા અંગદાન કરે છે. જ્યારે ભાઇ બહેન વચ્ચે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે સ્ત્રી અને પુરુષ દાતાઓ સમાન પ્રમાણમાં દાન કરે છે.આ અભ્યાસ સપ્ટે.ની ૧૩મી થી ૧૬મી દરમીયાન યોજાયેલ ૨૮મી ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટ સોસાયટીમાં રજુ કરાયો હતો.

(9:40 pm IST)