Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આખરે ગુજરાતમાં MD ડ્રગ સપ્લાયની ચેઇન તોડી પર્દાફાશ કરતી અમદાવાદ CID ક્રાઈમ

ગુજરાતમાં રેગ્યુલર ડ્રગ મોકલતા મહારાષ્ટ્રથી અફાકબાવા ઝડપાયો જ્યારે પુત્ર ફિદા ફરાર થયો : અફાકબાવા અગાઉ પણ અનેક કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને વોન્ટેડ હતો

અમદાવાદ : મહારાષ્ટ્રના કુખ્યાત ડ્રગ સપ્લાયર અને ગુજરાતમાં ડ્રગ મોકલવાનું નેટવર્ક ચલાવતા અફાકબાવા ને અમદાવાદ CID ક્રાઈમ મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડરથી ઝડપી લઈને ડ્રગ્સ સપ્લાયનો પર્દાફાશ કર્યો છે.

      ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા અને પીએસઆઈ .પી.જેબલિયાની ટીમે કોલ્હાપુર સ્પેશ્યલ યુનીટની મદદથી અફાકએહમદ ઉર્ફે અફાકબાવા ઉર્ફે અસ્ફાક બાવા ઉર્ફે આફત બાવા ઉંમર કારોલને ઝડપી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિનાલે ગામના વતની અફાકબાવા હાલમાં સીતાફળવાડી, લાઈટ હાઉસ બિલ્ડીંગ મંજગાવ, મુંબઈમાં રહે છે. અફાકબાવા અને તેના પુત્ર ફિદાએ એમ.ડી ડ્રગ્સ  નો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ચાર દિવસ અગાઉ પકડાયેલા આરોપી શહેઝાદ તેજાબવાલા અને ઇમરાનની પૂછપરછમાં ખુલ્યું હતું. શહેઝાદ 2019માં પકડાયો ત્યારે પણ અફાકબાવાનું નામ ખુલ્યું હતું.

       અફાકબાવા ક્રાઇમ બ્રાન્ચના બે કેસ તેમજ DRI ઝડપેલા 50 કિલો મેફેડ્રોન કેસમાં પણ વોન્ટેડ હતો. 2019માં ગુજરાતમાં એમ.ડી  નો જથ્થો પકડાતા અફાકબાવા બેલગામ જતો રહ્યો હતો. ચાર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે શહેઝાદ તેજાબવાલા, ઇમરાન અજમેરી, પોલીસ કર્મચારી ફિરોઝ નાગોરીને રૂ.1 કરોડના મેફેડ્રોન મામલે પકડ્યાં હતાં. શહેઝાદે જથ્થો અફાકબાવા અને ફિદાએ આપ્યાનું જણાવ્યું હતું. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે અફાકબાવાની તપાસ કરી હતી. આરોપી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની બોર્ડર પર ફરતો રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીને કોલ્હાપુર યુનીટની મદદથી ઝડપ્યો હતો.

     પોલીસે 4 દિવસ અગાઉ વડોદરા એક્સપ્રેસ વે પરથી જમાલપુર હજારીની પોળમાં રહેતાં પોલીસવાળા ફિરોઝ મહંમદખાન નાગોરી (ઉં,50), મહંમદ આરીફ ઉર્ફ મુન્નો જમાલુદ્દીન કાઝી (ઉં,48) અને જમાલપુરમાં બીસ્મિલ્લાહનગરમાં રહેતો ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહિમ પઢીયાર (ઉં,28) ને રૂ.1 કરોડના મેફેડ્રોન સાથે ઝડપ્યાં હતાં. આરોપીઓની પૂછપરછમાં શહેઝાદ અને ઇમરાનનું નામ ખુલતા ક્રાઈમ બ્રાન્ચે બન્નેને મુંબઈથી ઝડપ્યાં હતાં.

(7:57 pm IST)