Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૫૦ લાખ નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આપી સુરતના બે વેપારીને અમદાવાદમાં ઢોર માર મરાયો

અમદાવાદ,તા.૧૭: શહેરના ઓઢવ વિસ્તારમાં સુરતના બે વેપારીઓને માર મારી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આરોપીઓએ આ બંને વેપારીઓને સુરતથી અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. જે બાદમાં એક જગ્યાએ લઈ જઈને બંનેને માર માર્યો હતો. આ દરમિયાન દક્ષા નામની એક મહિલાએ આરોપીઓને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો કિલક કરીને વાયરલ કરી દઈશ. જે બાદમાં ફરિયાદી વેપારીએ તેના ભાઈ પાસેથી પૈસા મંગાવ્યા હતા.

સુરત જકાતનાકા પાસે રહેતા મહેશ નાદિયા દરાએ ફરિયાદ આપી છે કે ૨૫મી ઓગસ્ટના રોજ તેના મિત્ર કમલેશ ગોહિલ દક્ષા દેસાઈ નામની કોઈ મહિલાને લઈને તેમની ઓફિસ આવ્યા હતા. કમલેશે કહ્યુ હતુ કે તે દક્ષાબેન સાથે ભાગીદારીમાં અમદાવાદમાં કામ કરે છે. આમ કહીને કમલેશે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની માંગણી કરી હતી. જોકે, લોકડાઉન બાદ ધંધો ન હોવાથી ફરિયાદીને ચેતન દેવા પાસે જૂના વેપારના રૂપિયા બાકી હોવાનુ કહ્યું હતું. જયારે કમલેશ ચેતન દેવાને ઓળખતો હોવાથી આ પૈસા તે અપાવી દેશે તેમ કહ્યું હતું.

૧૨મી સપ્ટેમ્બરના રોજ કમલેશે ફરિયાદીને ફોન કર્યો હતો કે ચેતન દેવાનો ભાઈ કાલે અમદાવાદ આવે છે. તમે પણ આવી જજો. એટલે બીજા દિવસે ફરિયાદી તેના ભાગીદાર ભાવેશ કપોપરા સાથે અમદાવાદ આવ્યા હતા. કમલેશે આ બંનેને વિરાટનગરની એક ઓફિસમાં બોલાવ્યા હતા. જયાં કમલેશ, દક્ષા, રાજુ, મનોજ પરમાર અને રાજુ ભરવાડ તેમજ ભગાભાઈ હાજર હતા.

દક્ષાબેને મહેશભાઈ અને તેના ભાગીદારના મોબાઈલ છીનવી લીધા હતાં અને ખિસ્સામાં રહેલા નવ હજાર પણ લઇ લીધા હતા. બાદમાં બંનેને માર મારી ધમકી આપી હતી કે જો રૂપિયા ૫૦ લાખ નહીં આપો તો હું મારી સાથે તમારા નગ્ન ફોટો પડાવી વાયરલ કરી દઈશ. એટલું જ નહીં જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી ગભરાઈ જઈને ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી રૂપિયા માંગ્યા હતા. જેથી તેના ભાઈએ પાંચ લાખ આપવાનું કહ્યું હતું. જોકે, ફરિયાદીના ભાઈને કંઇક અજુગતું લાગતા તેણે આંગડિયા પેઢીમાંથી બોલતા હોવાનો બનાવટી ફોન કરી પાંચ લાખ મળી ગયાની જાણ આરોપીઓને કરી હતી.

બાદમાં પણ વધુ રૂપિયા માટે આરોપીઓ ફરિયાદી અને તેના ભાગીદારને માર મારતા ભાગીદારની તબિયત બગડી હતી. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. આરોપીઓએ વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બીજા રૂપિયા અઢી લાખ તેના મિત્ર પાસે મંગાવી આરોપીઓએ કહેલા વ્યકિતને સુરતમાં પહોંચાડ્યા હતા. માર મારવાના કારણે ફરિયાદીના ભાગીદારની તબિયત બગડતાં આરોપીઓએ તેઓને બીજા રૂપિયા આપી જવાનું કહીને ત્યાંથી જવા દીધા હતા. બાદમાં ફરિયાદીએ પરિવારજનોને આ બાબતની જાણ કરતા સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આ બાબતે આરોપીઓ વિરુદ્ઘ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(2:44 pm IST)