Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરાના સમા વિસ્તારની સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી જુગાર રમતા ચાર શખ્સોને 1.26 લાખની મતા સાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરના સમા વિસ્તારની  શાંતિનગર સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે  જુગાર રમી રહેલા ચાર શખ્સોને 1.26 લાખ ઉપરાંતની મતા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, શાંતિનગર સોસાયટીના મકાન નંબર 47 ઉપર કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે. 

જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સૌરવ અગ્રવાલ ( જોઈલનગર, ઉમિયાનગરની સામે ), કનુ રોહિત ( ડિફેન્સ સોસાયટી, ન્યુ સમા રોડ ), અશ્વિનકુમાર ક્રિશ્ચન અને મકાન સંચાલક જગમોહન શર્મા ( બને રહે - શાંતિનગર સોસાયટી, ન્યુ સમા રોડ) ને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા 16870, બે મોબાઈલ ફોન તથા બે એકટીવા સહિત કુલ રૂ. 1,26,870નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી અર્થે સમા પોલીસે આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

(5:47 pm IST)