Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સુરતમાં સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા એબીવીપી અને આપ વચ્‍ચે ઘર્ષણ થતા પોલીસ દોડી ગઇ

સમગ્ર ઘટના મામલે એબીવીપીની મહિલા કાર્યકરને અશ્‍લીલ ઇશારા કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્‍યો

સુરતઃ સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું પરિણામ આવ્‍યા પૂર્વે  એબીવીપી અને આપના કાર્યકરો વચ્‍ચે બબાલ થતા બે વિદ્યાર્થી સંગઠન વચ્‍ચે મારામારી થઇ હતી. જો કે પોલીસ સમયસર પહોંચી કડક બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. મામલો શાંત પાડવા પોલીસે ડંડાવાળી કરી હતી.

સુરતમાં સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા જ વાતાવરણ ગરમાયું છે. બે વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી બાદ ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ મારામારીની ઘટનામાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં ABVP સંગઠન દ્વારા ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સેનેટનું આજે પરિણામ જાહેર થવાનું છે. જોકે, સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ વાતાવરણ ગરમાયું છે. યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની ઘટના સામે આવી છે. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી થઈ હતી. CYSS અને ABVP વિદ્યાર્થી સંગઠન સામસામે આવી ગયા હતા. જોકે, મારામારીને રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ મારામારીમાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત થતા શખ્સને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આ ઘટના દરમિયાન મામલો શાંત પાડવા જતા પોલીસ અને ABVP વિદ્યાર્થી સંગઠન વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા વિદ્યાર્થી સંગઠન પર ડંડાવાળી કરી હતી. આ સમગ્ર ઘટના મામલે ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

(5:09 pm IST)