Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અમદાવાદના મણિનગર સ્‍વામિનારાયણ મંદિરના ટ્રસ્‍ટીઓએ 4 લોકો વિરૂદ્ધ મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરતા ખળભળાટ

મંદિરના ટ્રસ્‍ટની ઓફિસ ખાતે જઇને ટ્રસ્‍ટીઓ અને સંતોને જાની મારી નાખવાની ધમકી અપાતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદઃ અમદાવાદના મણિનગર સ્‍વામિનારાયણ મંદિરની બાજુની જમીન તુષાર પટેલ, શમીમબાનુ અન્‍સારી, મનહર અબ્‍બાસ બુખારી અને સહેનાજ બાનુ સામે જમીન પચાવી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. મંદિરના ટ્રસ્‍ટી હરજીવનભાઇ પટેલ તથા સંતોને મારી નાખવાની ધમકી મળતા પોલીસે તપા હાથ ધરી છે.

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘોડાસર સ્મૃતિ મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડવાના ઇરાદાથી ખોટા વેચાણ કરાર કરાવી પાવર ઓફ એટર્ની આધારે રજીસ્ટર વેચાણ કરાવી તેમજ મંદિરના ટ્રસ્ટની ઓફિસ ખાતે જઈને ટ્રસ્ટીને અને સંતો મહંતોને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત હરજીવનભાઈ પટેલ નામના 71 વર્ષીય વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં તુષાર પટેલ, શમીમબાનુ અન્સારી, મઝહર અબ્બાસ બુખારી અને સહેનાજ બાનુ બુખારી સામે ફરિયાદ નોંધાવી છે. સ્વામિનારાયણ ટ્રસ્ટની માલિકીની જમીન ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે આવેલી છે, જે જમીનમાં આરોપીઓએ ખોટા હક દાવા લખાણો ઊભા કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ફરિયાદીને સમાધાન કરવા માટે ધમકીઓ આપી હતી. જે મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદીને થોડા સમય પહેલા જાણ થઈ હતી કે જમીનના મૂળ માલિકોના નામની પાવર ઓફ એટર્ની કોઈ વલી મોહમ્મદ શેખ નામની વ્યક્તિએ બનાવીને તેનો ઉપયોગ કરી મૂળ ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોના ભાગની જમીન બાબતે આરોપી તુષાર પટેલે પોતાના નામે રજિસ્ટર વેચાણ કરાર કરાવી બોગસ કાર્યવાહી કરી રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવી છે. જે બાદથી તુષાર પટેલ ટ્રસ્ટની ઓફિસે અવારનવાર આવી વેચાણ કરાર બતાવી મૂળ ખેડૂત બહેનોના ભાગની જમીન પોતે ખરીદી છે તેવું કહીને બહેનોના ભાગની જમીન પડાવી લેવા માટે ધમકીઓ આપતો હતો.

ફરિયાદીએ તપાસ કરતા આરોપીઓએ ભેગા મળીને અલગ અલગ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું અને મૂળ સાત ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોની આંશિક પાવર વાપરી ફક્ત બહેનોના ભાગ પૂરતી જમીનનો વેચાણ કરાર તુષાર પટેલે કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મણિનગર પોલીસે છેતરપિંડી સહિત ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ ચારેય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓ સાથે અન્ય કોણ કોણ વ્યક્તિ ઓ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(5:07 pm IST)