Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બનાસકાંઠાના પાલનપુર-આબુ રોડ હાઇવે પર ભારે વરસાદથી રોડ પર પાણી ફરી વળતા હાઇવે બંધ કરાયો

ધોધમાર વરસાદને કારણે અબીયાણા ગામથી ઉપરવાસના 10 ગામો પ્રભાવિતઃ લોકોને અવરજવર કરવામાં મુશ્‍કેલી

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં સતત બે દિવસથી પડેલા ભારે વરસાદથી પાલનપુર-આબુ રોડ પર પાણી ફરી વળતા રોડને બંધ કરવાની ફરજ પડી છે. માત્ર મોટા વાહનોને જવા દેવામાં આવે છે. જેને કારણે 5 કિ.મી. લાંબી વાહનોની લાઇન લાગી છે. કોઇ વાહન ફસાય નહીં તેના માટે તંત્ર દ્વારા ક્રેન સ્‍ટેન્‍ડ ટુ રખાઇ છે.

ગુજરાતમાં હાલ સર્વત્ર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કેડ સમા પાણી ભરાતા પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર કેડ સમાં પાણી ભરાતા હાઇવે બંધ કરાયો છે.

પાલનપુર -આબુરોડ હાઇવે બેટમાં ફેરવાયો

બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જિલ્લાના અનેક પંથકોમાં પાણી ભરાયા છે. ત્યારે આજે પાલનપુરમાં વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે પાલનપુર -આબુરોડ હાઇવે ઉપર કેડસમાં પાણી ભરાઈ જતા હાઇવે બેટમાં ફેરવતા હાઇવેના એક બાજુના માર્ગને બંધ કરી દેવાયો છે. તો બીજી બાજુના માર્ગ ઉપર ફક્ત મોટા વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. હાઇવેના બંને બાજુના માર્ગો ઉપર પોલીસ ઉભી રખાઈ છે. જેથી નાના વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જોકે હાઇવે ઉપર પાણી ભરાતા 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગો છે. તો કોઇ વાહન ન ફસાય તો તેને નીકળવા માટે ક્રેન પણ તૈનાત કરાઈ છે.

સાંતલપુરના અબીયાણા ગામ નજીક બનાસ નદીના ડીપમાં પણ પાણી આવી ગયુ છે. બનાસકાંઠામાં ભારે વરસાદને લઇ ડીપમાં પાણીનું વહેણ આવ્યું છે. અબીયાણા ગામથી ઉપરવાસના 10 ગામો આ પાણીના ભારે વહેણને કારણે પ્રભાવિત થયા છે. ઉપરવાસના 10 ગામોમાં જવાના રસ્તા પર બનાસ નદીના પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસના 10 ગામોના લોકોને અવર જવર કરવી મુશ્કેલ બની છે.

પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઈકબાલ ગઢ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘર પાણીમાં ડૂબ્યા છે. નાળીવાસ વિસ્તારના મોટા ભાગના ઘરો પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  જિલ્લામાં હજુ ભારે વરસાદની શક્યતાના પગલે તંત્ર એલર્ટ છે.

(5:06 pm IST)