Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદમાં કોરોનાની મહામારી અને લોકડાઉન છતાં છેલ્લા બે વર્ષથી રોડ રિસરફેસના કામો વધ્યાં

ચાલુ વર્ષ 2020-21માં 377 રોડ રીસરફેસના કામ કર્યા . આ પહેલાં વર્ષ 2019-20માં 361 રોડ રીસરફેસના કામ અને 2018-19માં 314 રોડ રીસરફેસના કામ કર્યા હતા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ હોવાની ફરિયાદો કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રોજેક્ટ કે કામના કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવામાં આવી રહ્યાં નથી પણ આશ્ચર્યજનક વાત એ છે કે, અમદાવાદ શહેરમાં રોડના કામો ઉપર કોરોના મહામારીની કોઇ અસર જોવા મળી રહી નથી. અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અને લોકડાઉન છતાં રોડ રિસરફેસના કામો વધ્યાં છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 377 રોડ રિસરફેસના કામ કર્યા છે. વર્ષ 2017-18ની સરખામણીએ છેલ્લા બે વર્ષથી રોડ રિસરફેસના કામોમાં સતત વધારો જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારીના કારણે અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ફોર્સ મેજર્સ ક્લોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરમાં 300 ઇ બસો ખરીદીનું ટેન્ડર રદ કરી દેવાયું હતુ જ્યારે અમદાવાદ શહેરના ચાંદલોડિયા, સિંધુભવન રોડ સહિતના ત્રણ મલ્ટીલેવલ પાર્કિગના પ્રોજેક્ટ રદ કરી દેવાયા હતા. આ સિવાય સ્માર્ટ સીટીના કેટલાંક કામો પણ રદ કરી દેવાયા હતા.

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારીની એન્ટ્રી થતાની સાથે વિકાસના કામો અટક્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારીના પહોંચી વળવા માટે ટેસ્ટિંગ કીટ ખરીદવાથી માંડીને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરાવવા પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કર્યો હતો જેના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આર્થિક તંગીની સ્થિતિ ઉભી થઇ હતી જેના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોજેક્ટને પડતા મૂકવામાં આવ્યા હતા પણ રોડ રિસરફેસના કામો ઉપર કોરોનાની કોઇ અસર જોવા મળી રહી નથી.

2017માં રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા જેના કારણે રોડ તુટવાની ઘટના ઘટી હતી જેમાં 84 ઇજનેરોને નોટિસ અપાઇ હતી અને હજુ ઇન્કવાયરી ચાલી રહી છે. આ સિવાય નવા પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં બિટ્યુમીન (ડામર)ના ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતુ પણ રોડ રિસરફેસના કામો વધી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.એ ચાલુ વર્ષ 2020-21માં 377 રોડ રીસરફેસના કામ કર્યા છે. આ પહેલાં વર્ષ 2019-20માં 361 રોડ રીસરફેસના કામ કર્યા હતા. 2018-19માં 314 રોડ રીસરફેસના કામ કર્યા હતા જ્યારે વર્ષ 2017-18માં 268 રોડ રીસરફેસના કામ કરાયા હતા.

અમદાવાદમાં રોડ રિસરફેસના કામોમાં વધારો

વર્ષ 2020-21માં 377 રોડ રીસરફેસના કામ કરાયા
વર્ષ 2019-20માં 361 રોડ રીસરફેસના કામ કરાયા
વર્ષ 2018-19માં 314 રોડ રીસરફેસના કામ કરાયા
વર્ષ 2017-18માં 268 રોડ રીસરફેસના કામ કરાયા

(11:39 pm IST)