Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

RTE અંતર્ગત 16538 બેઠકો માટે બીજા રાઉન્ડમાં કાર્યવાહી કરાશે : 21 ઓગસ્ટ બાદ બીજા રાઉન્ડની ફાળવણી : શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત

શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન ફેરફાર કરી શકશે

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન ( RTE )ની ખાલી પડેલી બેઠકો માટે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા રાઉન્ડ માટે ખાલી પડેલી 16538 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં વાલીઓ દ્વારા RTE અંતર્ગત કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન તેમાં ફેરફાર કરી શકશે. જો વાલી ફેરફાર કરવા માંગતા ન હોય તો તેમણે અગાઉ કરેલી પસંદગીને માન્ય રાખી આગળની કાર્યવાહી હાથ ધરાશે. આમ, 21 ઓગસ્ટ બાદ RTEના બીજા રાઉન્ડની ફાળવણી કરવામાં આવશે.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવેશ કાર્યવાહીમાં 73287 બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જેમાં સમગ્ર રાજ્યમાંથી 181162 જેટલી અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યા બાદ કુલ 149005 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. જ્યારે 15317 અરજીઓ રદ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરી હતી. જેમાં 62985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદ્દત પુર્ણ થયા સુધીમાં 5026 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ન હતો. આમ, RTEની કુલ 73287 બેઠકો પૈકી પ્રથમ રાઉન્ડમાં 62985 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા બાદ 10302 બેઠકો ખાલી પડી હતી. જ્યારે 5026 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ન હોય તે બેઠકો ખાલી પડી હતી. જ્યારે 1210 જેટલા પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. આમ, કુલ 16538 જેટલી બેઠકો ખાલી પડતા આ બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે.

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1ના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ 27 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ન હોય તેવા જ વિદ્યાર્થીઓ RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવશે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય. જે વિદ્યાર્થીઓએ RTE હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 19 ઓગસ્ટ, 2021થી 21 ઓગસ્ટ, 2021 સુધીમાં વેબસાઈટ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે મુકી રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલા જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા તો તેઓ દ્વારા પસંદ કરેલી શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(11:37 pm IST)